Homeગુજરાતમોરબીમોરબી ખાતે વિનામૂલ્યે નિદાન અને સારવાર માટે આયુષ મેગા કેમ્પ યોજાયો

મોરબી ખાતે વિનામૂલ્યે નિદાન અને સારવાર માટે આયુષ મેગા કેમ્પ યોજાયો

આયુષ મંત્રાલય, ભારત સરકાર પ્રેરિત તથા નિયામક આયુષની કચેરી, ગાંધીનગરના દિશાનિર્દેશ હેઠળ ૧૧મા આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત મોરબી ખાતે વિનામૂલ્યે નિદાન અને સારવાર માટે આયુષ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહેન્દ્રસિંહજી આયુર્વેદ હોસ્પિટલ, મોરબી તથા જિલ્લા ક્ષય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે રામવાડી, મહેન્દ્રનગર ખાતે યોજાયેલા આ વિશેષ આરોગ્ય કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લીધો હતો.

કેમ્પ દરમિયાન આયુર્વેદિક તથા હોમિયોપેથીક તબીબો તેમજ પંચકર્મ અને અગ્નિકર્મ નિષ્ણાતો દ્વારા દર્દીઓની તપાસ, આરોગ્યલક્ષી માર્ગદર્શન તથા જરૂરી દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. બદલાતી જીવનશૈલીના કારણે વધી રહેલા બિનચેપી રોગો (NCD) જેવા કે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ અંગે તપાસ તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, ક્ષયરોગ (TB) સ્ક્રીનિંગ માટે ડિજિટલ એક્સ-રે મશીન દ્વારા તપાસ, વૃદ્ધજનોની આરોગ્ય તપાસ તેમજ વિવિધ આરોગ્ય સેવાઓ અંગે નાગરિકોમાં જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.

આ ઉપરાંત, આયુષ્માન આરોગ્ય મંદિર, મહેન્દ્રનગરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ભૂમિકા કલસરિયા દ્વારા રક્તદાન અને અંગદાન અંગે જનજાગૃતિ લાવવા માટે ઉપસ્થિત લાભાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા.

આ આરોગ્ય કેમ્પ દરમિયાન કુલ ૧૯૦થી વધુ લાભાર્થીઓએ OPD સેવાઓનો લાભ લીધો હતો. ૪૨૫ લાભાર્થીઓને આયુર્વેદ તરફ વળવા માટે IEC મારફતે આરોગ્યલક્ષી સમજ આપવામાં આવી હતી. બાળકોની રોગપ્રતિકારક શક્તિ (Immunity) અને માનસિક વિકાસ માટે કુલ ૨૨૦ બાળકોને સુવર્ણપ્રાશન કરાવવામાં આવ્યું હતું. જ્યારે ૪૧ ટીબી શંકાસ્પદ લાભાર્થીઓની ડિજિટલ X-ray દ્વારા તપાસ કરવામાં આવી હતી.

ડોક્ટરોની ટીમ તથા આરોગ્ય કર્મચારીઓ દ્વારા દર્દીઓને જરૂરી તપાસ, સારવાર અને આરોગ્યલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ડો. અરુણાબેન નિમાવત (વૈદ્ય પંચકર્મ, વર્ગ-૧), ડો. સુનિલ એમ. કાચરોલા (R.M.O., આયુર્વેદ વર્ગ-૨), ડો. રાધિકાબેન મહેતા (M.O., હોમિયોપેથિક વર્ગ-૩), ફાર્માસિસ્ટ પ્રીતિબેન પરમાર, તુષારભાઈ ખોરજા, ભાવિશાબેન, રેખાબેન (આયુર્વેદ નર્સિંગ), કોમલબેન (પંચકર્મ), પ્રદીપભાઈ, રમેશભાઈ સહિત ડોક્ટરોની ટીમ તથા તમામ આરોગ્ય કર્મચારીઓએ કેમ્પને સફળ બનાવવા અને મોરબીના લાભાર્થીઓને આરોગ્ય સેવાઓનો મહત્તમ લાભ મળી રહે તે માટે જહેમત ઉઠાવી હતી.

આ પ્રસંગે મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. હરેશભાઈ જેતપરિયા ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular