નેતાઓ-અધિકારીઓએ સફાઈમાં જોડાઈ ફોટો સેશન કર્યું, સર્કિટ હાઉસથી મહારાણા પ્રતાપ સર્કલ સુધી મોટા જથ્થામાં કચરો-પ્લાસ્ટિક વેસ્ટ દૂર કરાયો
મોરબી મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા-2026’ અંતર્ગત શહેરમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. એક તરફ શહેરને સ્વચ્છ રાખવા માટે ઝુંબેશ યોજાઈ રહી છે, ત્યારે બીજી તરફ મોરબી મહાનગરપાલિકામાં પૂરતા સફાઈ કર્મચારીઓની અછતનો મુદ્દો પણ ચર્ચામાં છે.
સફાઈ ઝુંબેશ દરમિયાન રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયા, મેયર ઉત્તમભાઈ સુરાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા, કમિશનર સંગીતા રૈયાણી, SWM શાખાના ચેરમેન મેઘરાજસિંહ ઝાલા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, Cleanup Morbi Team અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સફાઈ કામગીરીમાં જોડાઈ ફિલ્ડમાં કાર્યરત સફાઈ કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
સર્કિટ હાઉસથી મહારાણા પ્રતાપ સર્કલ સુધીના વિસ્તાર સહિત મુખ્ય માર્ગો પર વિશેષ સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી. રોડની સાઈડમાંથી પ્લાસ્ટિક વેસ્ટ અને કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. ઉપરાંત ફૂટપાથની સફાઈ તેમજ મુખ્ય માર્ગોની સાઈડમાં વૃક્ષોની કટીંગ કામગીરી પણ કરવામાં આવી હતી.
ઝુંબેશ દરમિયાન મોટા જથ્થામાં એકત્ર થયેલા કચરા અને પ્લાસ્ટિક વેસ્ટનો તાત્કાલિક ઉપાડ કરી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. જોકે, સ્વચ્છતા માટે ઝુંબેશ સાથે નિયમિત સફાઈ વ્યવસ્થા માટે પૂરતા માનવબળની જરૂરિયાતનો મુદ્દો પણ મહત્વનો બની રહ્યો છે.
મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા, જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અને કચરો નિયત કચરાપેટી અથવા ડોર-ટુ-ડોર કલેક્શન વાહનમાં આપવા અપીલ કરવામાં આવી છે.