મોરબીના શનાળા રોડ પર માર્કેટિંગ યાર્ડ સામે નવા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આયોજિતગણેશ મહોત્સવમાં સવાર-સાંજ આરતી અને રોજ રાત્રે ભક્તિસભર અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો અયોજનોની ભરમાર
મોરબી : મોરબી શહેરના શનાળા રોડ પર માર્કેટિંગ યાર્ડ સામે આવેલા નવા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ગણેશ મહોત્સવને લઈને સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને ઉત્સવનો માહોલ છવાયો છે. આ વિસ્તારના રહીશો દ્વારા એકસાથે મળીને દુંદાળા દેવના ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સવાર-સાંજ નિયમિત આરતી સાથે ગણપતિ બાપાની ભક્તિ કરવામાં આવી રહી છે. ગણેશજીની આરતી સમયે મોટી સંખ્યામાં રહીશો પરિવાર સાથે જોડાઈને ભક્તિભાવ વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને બાળકો, મહિલાઓ અને વડીલો સહિત સમગ્ર વિસ્તારના પરિવારો ઉત્સવમાં સહભાગી બની રહ્યા હોવાથી હાઉસિંગ બોર્ડ વિસ્તાર જાણે ગણેશમય બન્યો છે. માત્ર ધાર્મિક ઉજવણી પૂરતી સીમિત ન રહેતા રહીશો દ્વારા રાત્રિના સમયે પરિવાર સાથે માણી શકાય એવા મનોરંજન સાથે ભક્તિ અને સંસ્કૃતિને જોડતા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા હોય હાઉસિંગ બોર્ડના ગણેશ મહોત્સવએ લોકોને ભારે ઘેલું લગાડ્યું છે.
નવા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ગણેશ મહોત્સવના દિવસોમાં દરરોજ રાત્રે યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પરિવાર સાથે લોકો ઉમટી રહ્યા છે. ભજન, ધાર્મિક માહોલ ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક અને ભક્તિસભર રજૂઆતો થકી બાળકો અને મોટેરાઓને એકસાથે મનોરંજન મળી રહે તે રીતે કાર્યક્રમોની ગોઠવણી કરવામાં આવી છે. રહેણાંક વિસ્તારના રહીશો પોતપોતાના દૈનિક કામકાજમાંથી સમય કાઢીને પરિવાર સાથે ગણેશ મહોત્સવમાં જોડાઈ રહ્યા છે, જેના કારણે રાત્રિના સમયે સમગ્ર વિસ્તાર ઉત્સવના માહોલથી ગુંજી ઉઠે છે. ગણેશ મહોત્સવને માત્ર એક ધાર્મિક પ્રસંગ નહીં પરંતુ વિસ્તારના પરિવારોને એકસાથે લાવતું સામૂહિક પર્વ બનાવવાનો પ્રયાસ રહીશો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
આ શ્રેણીમાં આજે રાત્રે સાસણગીરનું પ્રખ્યાત ધમાલ નૃત્ય રજૂ થવાનું હોવાથી કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ રહેશે. ગુજરાતની લોકસાંસ્કૃતિક પરંપરાની આગવી ઝલક આપતું ધમાલ નૃત્ય લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે, જેના કારણે આજે રાત્રે નવા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં લોકસંગીત અને નૃત્યની રમઝટ જામશે. માર્કેટિંગ યાર્ડની સામે, શનાળા રોડ, મોરબી ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં રહીશો પરિવાર સાથે ઉપસ્થિત રહી ધમાલ નૃત્ય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણશે. આમ, ગણેશજીની આરતીથી શરૂ થતો દિવસ અને રાત્રે સાંસ્કૃતિક રંગોથી મહેકતો માહોલ નવા હાઉસિંગ બોર્ડના ગણેશ મહોત્સવને આગવી ઓળખ આપી રહ્યો છે.