મોરબી: મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડી ખાતે મહેન્દ્રસિંહજી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આયુષ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં આયુર્વેદ વિભાગના ૧૧૦, હોમિયોપેથી વિભાગના ૯૦ દર્દીઓ સહિત કુલ ૨૦૦ દર્દીઓએ સારવારનો લાભ લીધો હતો. ઉપરાંત સુવર્ણપ્રાશનનો ૨૨૦ લોકોએ લાભ લીધો હતો.
કેમ્પ દરમિયાન આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર ઉપરાંત વિવિધ સેવાઓ તથા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૫૩૫ મુલાકાતીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડો. અરુણાબેન નિમાવત, ડો. સુનિલ એમ. કાચરોલા, ડો. રાધિકાબેન મહેતા સહિત ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, ફાર્માસિસ્ટ અને પંચકર્મ ટીમે સેવાઓ આપી હતી.
આ પ્રસંગે મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. હરેશભાઈ જેતપરિયા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. રામવાડીના સંચાલકો વિરજીબાપા, ભાણજી દાદા, દયારામભાઈ, દેવશીભાઈ તથા સામાજિક કાર્યકર મહાદેવભાઈ રંગપરિયા સહિતના આગેવાનોનો સહયોગ મળ્યો હતો. રામવાડી દ્વારા આ કેમ્પ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવ્યો ન હતો અને અન્ય કેમ્પ માટે પણ વાડીનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી, તેમ આયોજકો દ્વારા જણાવાયું હતું.