વૃક્ષોને રાખડી બાંધી વિદ્યાર્થીઓએ સંરક્ષણ અને સંવર્ધનની જવાબદારી ઉપાડી
ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ અનોખી અને પર્યાવરણપ્રેમી રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિશાળ મેદાનમાં આવેલા વૃક્ષોને શાળાના બાળકોએ પોતાની જાતે બનાવેલી રાખડીઓ બાંધી વૃક્ષોના સંરક્ષણ અને સંવર્ધનની જવાબદારી ઉપાડી હતી.
વૃક્ષારોપણની સાથે વૃક્ષોના જતન અને સંરક્ષણ અંગે જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારને પ્રકૃતિ સાથે જોડવાનો આ અનોખો પ્રયોગ હરબટીયાળી પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને વૃક્ષોનું મહત્વ, પર્યાવરણ માટેની તેની ઉપયોગિતા તેમજ વૃક્ષોનું જતન અને સંરક્ષણ કઈ રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળકોમાં નાનપણથી જ પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને જવાબદારીની ભાવના વિકસે તે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો.
આમ, સંસ્કૃતિ સાથે પ્રકૃતિને જોડીને હરબટીયાળી પ્રાથમિક શાળામાં રક્ષાબંધનની રળિયામણી અને અનોખી ઉજવણી કરવામાં આવી હતી.