મોરબી: માળિયા-મોરબી નેશનલ હાઈવે પર ભીમસર ચોકડી નજીક સરહદી રેન્જ ભુજની ટીમે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પુલ નીચેથી તાડપત્રીની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ પોલીસને મળેલી બાતમીના આધારે સરહદી રેન્જ ભુજની ટીમે ભીમસર ચોકડી નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન હળવદ તરફથી આવતી ટાટા કંપનીની ટ્રકને શંકાના આધારે રોકી તલાશી લેતા તાડપત્રીની આડમાં અલગ-અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ તથા બીયરના ટીન મળી આવ્યા હતા.
પોલીસે ટ્રકમાંથી કુલ 16,920 નંગ દારૂ-બીયરનો જથ્થો, કિંમત રૂ.24.03 લાખ, તેમજ રૂ.10 લાખની ટાટા ટ્રક મળી કુલ રૂ.34.08 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કાર્યવાહીમાં પોલીસે રાજસ્થાનના રહેવાસી ખેતારામ ઠાકુરરામ માજીરાણાને ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ માળિયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સરહદી રેન્જ ભુજની આ મોટી કાર્યવાહીને પગલે દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.