મોરબીના લીલાપરથી નવાગામ જતા રોડ પર આવેલી એક મોબાઈલની દુકાનમાં મની ટ્રાન્સફરના ચાર્જના નજીવા રૂપિયા બાબતે ગ્રાહક અને વેપારી વચ્ચે બબાલ થઇ હતી. જેમાં એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા બાદ વેપારીએ નિયમ મુજબનો ચાર્જ માંગતા જ ગ્રાહક ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસે રહેલી છરી વડે વેપારી પર જીવલેણ હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલ મોરબીના વાવડી રોડ પર ગાયત્રી નગર સોસાયટીમાં રહેતા મુરારીકુમાર ભોગેન્દ્ર શર્મા (ઉ.વ. ૨૪)એ આરોપી વિશાલભાઈ બાબુભાઈ જોગડીયા રહે. લગધીરનગર, નવાગામ મોરબીવાળા વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાની ક્રિષ્ણા મોબાઈલ એન્ડ ફેશન નામની દુકાને હતા ત્યારે આરોપી વિશાલભાઈ બાબુભાઇ જોગડીયા મની ટ્રાન્સફ૨ કરાવવા ગયેલ ત્યારે ફરીયાદીએ રૂ.૧૭,૦૦૦/- આરોપીના ખાતામાં ટ્રાન્સફર કરી રોકડા રૂપીયા ૧૭,૦૦૦/- તથા મની ટ્રાન્સફર ચાર્જ રૂ. ૧૭૦/- આરોપી પાસે માંગતા આરોપી ઉશ્કેરાય જઇ પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી ફરીયાદીને છરીના ઘા જાનથી મારી નાખવાના ઈરાદે મારી ફરીયાદીને શરીરે ગંભીર ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.