ટંકારા તાલુકાના ઓટાળા ગામની સીમમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી એક પ્રૌઢનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે ટંકારા પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકાના ઓટાળા ગામની સીમમાં આવેલ નેસડા જવાના કાચા રસ્તે બાર નાલા પાસે પાણી ભરેલો એક ખાડો આવેલો છે. જે ખાડામાં નેસડા (સુરજ) ગામના વતની ગીરીશભાઈ ઉર્ફે ગીલો રામજીભાઈ કાસુન્દ્રા (ઉંમર વર્ષ ૪૫) નામના પ્રૌઢ કોઈ કારણસર આ પાણી ભરેલા ખાડામાં ડૂબી ગયા હતા. પાણીમાં શ્વાસ રૂંધાઈ જવાને કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જેથી આ બનાવ અંગે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી ટંકારા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.