વાંકાનેર તાલુકાના નવી કલાવડી ગામની સીમમાં સગા ભાઈઓ વચ્ચે વાડીના શેઢે પડેલા પથ્થરને હટાવવા જેવી નજીવી બાબતે મોટો ઝઘડો થયો હતો. પથ્થર ઉપાડવાની આનાકાની કરતા ઉશ્કેરાયેલા નાના ભાઈ અને તેના પરિવારે ૬૩ વર્ષના વૃદ્ધ મોટા ભાઈ પર પથ્થરોના છુટ્ટા ઘા મારીને ઇજા પહોંચાડી હતી. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ત્રણ લોકો સામે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના નવી કલાવડી ગામે રહેતા સાજીભાઈ હયાતભાઈ શેરસીયા (ઉ.વ.૬૩) એ તેમના જ ગામના આરોપી હુસેનભાઇ હૈયાતભાઈ શેરસીયા, હલુબેન હુસેનભાઇ, રેનિશ હુસેનભાઇ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા આરોપી સગા ભાઇઓ થતા હોય બંનેની વાડી એક શેઢે આવેલ હોય ફરીયાદીની વાડીના શેઢા પાસે પથ્થર પડેલ હોય જે પથ્થર આરોપી હુસેનભાઇએ ફરીયાદીને લઈ લેવાનુ કહેતા ફરીયાદીએ કહેલ કે મારો દિકરો આવી પથ્થર અંહીથી લઈ લેશે. એમ કહેતા આરોપીઓને સારૂ નહી લાગતા પથ્થરના છુટ્ટા ઘા કરતા ફરીયાદીને ઈજા પહોંચી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.