મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં સિટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડીને એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂની કુલ 64 બોટલો સાથે એક ઇસમની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડીવીઝન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે ત્રાજપર ખારી વિસ્તારમાં રામજી મંદિર વાળી શેરીમાં રહેતા અજયભાઇ સુખાભાઇ બાબરીયા નામનો શખ્સ પોતાના મકાનમાં વિદેશી દારૂનો સંગ્રહ કરીને વેચાણ કરે છે.જે બાતમીના આધારે પોલીસે મકાનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૬૪ કિંમત રૂપિયા ૧૨૪૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.