મોરબી: ટેકનોલોજીના જમાનામાં સાયબર ગઠિયાઓ હવે ભોળા લોકોને લૂંટવા માટે અવનવા નુસખા અપનાવી રહ્યા છે. મોરબીના એક ખેડૂત પરિવાર સાથે RTO મેમોના નામે લાખોની છેતરપિંડી થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માત્ર એક APK ફાઈલના કારણે ખેડૂત અને તેમની પત્નીના બેંક ખાતામાંથી કુલ રૂપિયા 3,00,000 ઉપડી ગયા હોય જેથી ભોગ બનનાર ખેડૂતે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઠગાઇ અંગેની ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ ટંકારા તાલુકાના હડમતીયા ગામના વતની અને હાલ મોરબીના પંચાસર રોડ પર આવેલ સત્યમ હોલની બાજુમાં રહેતા લાલજીભાઈ બાલુભાઈ સિણોજીયા (ઉ.વ.૫૦) એ આરોપી અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદિના મોબાઈલમાં આર.ટી.ઓ. ચલણની એપીકે ફાઈલ મોકલી ફરીયાદીનો મોબાઇલ હેક કરી ફરીયાદીના AU બેંકના એકાઉન્ટમાંથી રૂ.૨,૯૫,૦૦૦/- તથા ફરીયાદીના પત્નીના AU બેકના એકાઉન્ટમાંથી રૂ.૫૦૦૦/- ફરિયાદીની જાણ બહાર એકાઉન્ટ હોલ્ડરના ખાતામાં કુલ રૂ.૩,૦૦,૦૦૦/- ટ્રાન્સફર કરી કરાવી મેળવી લઈ ફરીયાદિ સાથે ઠગાઈ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.