દમદાર ઉમેદવારો સાથે ડોર-ટુ-ડોર પ્રચાર તેજ, મતદારો સાથે સીધી જોડાણની રણનીતિ
ટંકારા શહેરને ગયા વર્ષે નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ હવે પ્રથમ વખત નગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. શહેરમાં રાજકીય ગરમાવો વચ્ચે તમામ પક્ષો દ્વારા પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. આ વચ્ચે કોંગ્રેસ પક્ષ દ્વારા વોર્ડ નં. 01માં મજબૂત અને લોકપ્રિય ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવતા ચૂંટણી રસપ્રદ બની છે.
વોર્ડ નં. 01 માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચેતનકુમાર રમણીકલાલ ત્રિવેદી, જ્યોત્સનાબેન અરવિંદભાઈ લો, મહેશ જેમલભાઈ મૈરા અને મિતલ ધર્મેન્દ્રભાઈ કક્કડે પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ તમામ ઉમેદવારો પોતાના વિસ્તારના ઓળખાયેલા ચહેરા હોવા ઉપરાંત સામાજિક અને જાહેર કાર્યોમાં સક્રિય રહી ચૂક્યા છે, જેના કારણે મતદારોમાં તેમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
હાલમાં કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ડોર-ટુ-ડોર પ્રચાર અભિયાન જોરશોરથી હાથ ધરવામાં આવ્યું છે. ઉમેદવારો દરેક ઘર સુધી પહોંચીને મતદારો સાથે સીધી મુલાકાત કરી રહ્યા છે, તેમની સમસ્યાઓ સાંભળી રહ્યા છે અને નગરપાલિકાના વિકાસ માટે પોતાના વિઝન વિશે માહિતી આપી રહ્યા છે. આ પ્રચાર દરમિયાન સ્થાનિક લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસના ઉમેદવારોને વ્યાપક સમર્થન મળતું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે ઉમેદવારો દ્વારા સ્વચ્છતા, પાણી પુરવઠો, માર્ગ વ્યવસ્થા અને નગરના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. ખાસ કરીને નગરપાલિકાના નવા દરજ્જા પછી શહેરના સુવિધાસભર વિકાસ માટે કોંગ્રેસની ટીમ પ્રતિબદ્ધ હોવાનું તેઓ જણાવી રહ્યા છે. ટંકારા નગરપાલિકાની આ પ્રથમ ચૂંટણીમાં વોર્ડ નં. 01 હોટ સીટ બની રહ્યો છે, જ્યાં કોંગ્રેસના દમદાર ઉમેદવારો પોતાના પ્રચાર અને લોકો સાથેના સીધા સંપર્ક દ્વારા મજબૂત સ્થિતિ ઉભી કરી રહ્યા છે. હવે મતદારો કોને પસંદ કરે છે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે, પરંતુ હાલ કોંગ્રેસ તરફથી સશક્ત પડકાર ઉભો થયો છે.