મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ સીટી મોલમાં આઈ.પી.એલ. (IPL) ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતી એક ટોળકીને એ ડિવીઝન પોલીસે ઝડપી પાડી છે. ‘શીવ ઇમ્પેક્ષ’ નામની ઓફિસમાં ચાલતા આ જુગારધામ પર પોલીસે દરોડો પાડીને કુલ 4 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે આઈ.ડી. આપનાર અન્ય 4 શખ્સોને પકડી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ ભકિતનગર સર્કલ પાસે આવેલા સીટી મોલના ત્રીજા માળે દુકાન નં. ૩૦૧માં દરોડો પાડવામાં આવ્યો હતો. આરોપી અનિલભાઈ ડાભીની કબ્જા ભોગવટા વાળી ઓફિસમાં બહારથી આરોપીઓ બોલાવી આઇપીએલ -૨૦-૨૦ ક્રિકેટ મેચ રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ પર જુગાર રમવાના સાધનો પુરા પાડી જુગાર રમવા માટે આઇડી મેળવી આઇપીએલ મેચ પર લાઈવ પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડ રૂપિયા ૧૫૬૦૦ તથા વાહન નંગ -૪ કિંમત રૂપિયા ૪,૫૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૫,૨૬,૬૦૦ ના મુદામાલ સાથે ચાર ઈસમો અનિલભાઇ માવજીભાઇ ડાભી (ઉ.વ.૨૮) રહે. મોરબી રવાપર રોડ નરસંગ ટેકરી પાછળ મેઘાણીની વાડી, બ્રિજેશભાઇ મનસુખભાઇ માલવણીયા (ઉ.વ.૩૦) રહે.મોરબી કન્યા છાત્રાલય રોડ ધર્મવિજય સોસાયટી શીવમ એપાર્ટમેન્ટ બ્લોક નં.૭૦૩ રહે.ઘાટીલા તા.માળીયા(મી), પરેશભાઇ નાગજીભાઇ ગોવીંદભાઇ પઢારીયા (ઉ.વ.૪૦) રહે.૬૦૧ મંગલમ એપાર્ટમેન્ટ બોનીપાર્ક રવાપર મોરબી મુળ રહે. ગાંધીનગર તા.જી.મોરબી, હર્ષદભાઇ લાલજીભાઇ પાસીયા (ઉ.વ.૩૦) રહે.મોરબી સો.ઓરડી સામાકાંઠે રચના સોસાયટી મોરબીવાળાને ઝડપી પાડયા છે જ્યારે આ જુગાર રમવા માટે આઈ.ડી. (ID) પ્રોવાઈડ કરનાર હસુભાઇ ઠાકર રહે.મોરબી, બ્રિજેશભાઇ પડસુબીયા રહે.મોરબી વાવડી, રજાકભાઇ રહે.રાજકોટ, જયદીપભાઇ પટેલ રહે.મોરબીવાળા હાજર મળી આવ્યા ન હતા, જેથી પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.