મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં આવેલ ‘નેલ્સન સર્ફેસ’ નામના નવા બની રહેલા કારખાનામાં તસ્કરોએ ત્રાટકીને લાખોની મત્તાની ચોરી સાથે ભારે તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે અજાણ્યા ૩ થી ૪ શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના અવનીપાર્ક વિસ્તારમાં રહેતા અને વેપાર કરતાં જયદીપભાઈ ગણેશભાઈ પાંચોટીયા (ઉ.વ.૩૧) એ આરોપી અજાણ્યા ત્રણ થી ચાર શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સાદુળકા ગામની સીમમાં ફરીયાદીના નેલ્સન સર્ફેસ નામના નવા બનતા કારખાનામાં અજાણ્યા ત્રણ થી ચાર આરોપીઓે ગેરકાયદેસર રીતે ગુપ્ત અપપ્રવેશ કરી કારખાનામા નવા એ.સી.માટે નાખેલ પી.વી.સી.ના પાઇપ તથા કેબલો તોડી અંદાજે સાડા ત્રણેક લાખની નુકસાની કરી પાઇપ તથા કેબલમાંનો અંદાજે ૧,૭૫,૦૦૦/ કોપર વાયર ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.