મોરબી શહેરમાં મચ્છુ ડેમની મુખ્ય નહેરના પશ્ચિમ બાજુ આવેલા રોડમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે સ્થાનિક અવન ચોકડી તથા આસપાસના રહેવાસીઓએ મહાનગરપાલિકાના કમિશ્નરને લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે ચોકડીથી અવર-નવાર નીકળવાનું થતુ હોય જેમા મુખ્ય નહેરના પશ્ચિમ બાજુ ઉમીયા સર્કલથી લીલાપર તરફ જતો રોડ આર.સી.સી.થી બનાવવામાં આવ્યો છે. તે નિયમ મુજબ આ રોડમાં લોખંડનો ઉપયોગ થવો જરૂરી હોવા છતાં વાસ્તવમાં લોખંડ નાખવામાં આવ્યું છે કે નહીં તેની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. રહેવાસીઓનો આક્ષેપ છે કે રોડ બનાવવામાં ગેરરીતિ થઈ હોવાની શંકા છે. તેમજ આ રોડ અંગેની કોઈ માહિતી દર્શાવતું બોર્ડ કે પાટીયું પણ લગાવવામાં આવ્યું નથી. રોડની સફાઈ કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરને હોવા છતાં આજદિન સુધી યોગ્ય રીતે સફાઈ કરવામાં આવી નથી, જેના કારણે હાલ રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ રોડ પર આવેલી વિવિધ સોસાયટીઓના રહેવાસીઓએ તેમજ તાત્કાલિક તપાસ કરી નવા રોડના નિર્માણની માંગ કરી છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે અરજીના ૧૦ દિવસમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.