મોરબી: કડક જેલ સુરક્ષાની પોલ ખોલતી એક ચોંકાવનારી ઘટના મોરબી સબ જેલમાં સામે આવી છે. અગાઉ પણ મોરબી સબ જેલમાંથી અનેક વખત મોબાઈલ મળી આવેલ છે ત્યારે ફરી એક વખત મોરબી સબ જેલ વિવાદમાં ઘેરાઈ છે. જેલની અંદર પ્રતિબંધિત વસ્તુઓ ઘૂસાડવાના અને ઉપયોગ કરવાના દૂષણ પર જેલ તંત્રે લાલ આંખ કરીને હાથ ધરેલા અચાનક સર્ચ ઓપરેશન દરમિયાન એક કાચા કામના આરોપી પાસેથી ચાલુ હાલતમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોન મળી આવતાં જેલ પ્રશાસનમાં ભારે દોડધામ મચી ગઈ છે. આ ઘટના બાદ જેલની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.
મળતી માહિતી મુજબ જેલ અધિક્ષક એચ. એ. બાબરીયાના આદેશથી સબ જેલના સુબેદાર રાજુભાઇ એન. ઝેઝરીયા તથા તેમની ટીમ દ્વારા સર્કલ નંબર-૦૨ ની ખોલી નંબર-૦૨ માં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન જેલના સિપાઈ ભરતભાઇ એ. ખાંભરાએ ખોલીમાં બંધ કાચા કામના આરોપી ફારૂક અલ્લારખા ભટી ના પેન્ટના નેફામાંથી સંતાડેલો PEACE કંપનીનો એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને તેમાં ચાલુ હાલતમાં રહેલું જિઓ કંપનીનું સિમકાર્ડ શોધી કાઢ્યું હતું. જેલ જેવા સંવેદનશીલ અને અતિ સુરક્ષિત વિસ્તારમાં મોબાઈલ ફોન મળી આવતા જેલ સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો.
જેલમાં પ્રતિબંધિત મોબાઈલ ફોન ગેરકાયદેસર રીતે રાખવા બદલ સુબેદાર રાજુભાઇ ઝેઝરીયાની ફરિયાદના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપી ફારૂક અલ્લારખા ભટી તેમજ તપાસ દરમિયાન જે પણ કસમૂરવાર કે મદદગારના નામ ખુલે તે તમામ ઈસમો વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023 ની કલમ-૨૨૩ તથા પ્રિઝન એક્ટની કલમ-૪૨, ૪૩ અને ૪૫(૧૨) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આ મામલે પીએસઆઈ દ્વારા આગળની કાયદેસરની તપાસ ચલાવવામાં આવી રહી છે.