મોરબી શહેરના સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારી સાથે ઓનલાઇન સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે. તેમણે પોતાની કાર લોનનો હપ્તો ભરવા માટે ટ્રાન્સફર કરેલી રકમ અટવાઈ જતાં ગુગલ પરથી કસ્ટમર કેરનો નંબર શોધીને સંપર્ક કર્યો હતો. જોકે, ભેજાબાજ ઠગોએ કસ્ટમર કેરના નામે વિડીયો કોલ કરીને તેમની સાથે મોટો ફ્રોડ આચર્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબી શહેરના સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા અને રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા પોલીસ કર્મચારી આનંદકુમાર ભીમજીભાઈ દેગામા ગત તા. ૦૫/૦૯/૨૦૨૬ના રોજ પોતાના AXIS BANKના પગાર ખાતામાંથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના કાર લોન ખાતામાં રૂ. ૧૫,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ આ નાણાં ખાતામાં જમા ન થતાં તેમણે ગુગલ પરથી AXIS BANKના કસ્ટમર કેરનો નંબર મેળવીને ફોન કર્યો હતો. સામેવાળા શખ્સે વોટ્સએપ પર વિડીયો કોલ કરીને પોતાનો ચહેરો છુપાવી, ફોન-પેમાં સબમિટ કરવાનો કહીને એક યુ.પી.આઈ. આઈ.ડી. લખાવ્યો હતો. આ પ્રોસેસ પૂર્ણ કરી પિનકોડ નાખતા જ અટવાયેલા નાણાં પાછા આવી જશે તેવી ખાતરી આપી હતી.
પરંતુ, આ પ્રોસેસ કર્યાની થોડી જ મિનિટોમાં આનંદકુમારના ખાતામાંથી રૂ. ૭૫,૬૫૫/- અને રૂ. ૧૮,૯૮૩/- એમ કુલ મળીને રૂ. ૯૪,૬૭૮/- ઉપડી ગયા હતા. સાયબર ફ્રોડ થયો હોવાનો અહેસાસ થતાં તેમણે તુરંત સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ રકમ આસામ રાજ્યના બારપેટા ખાતે આવેલી કૅનારા બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ છે. હાલમાં આ મામલે બંને મોબાઈલ નંબર ધારકો અને બેંક એકાઉન્ટ ધારક સામે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.