મોરબી: ચાલુ વર્ષે ખરીફ સીઝનમાં અપૂરતા અને અનિયમિત વરસાદના કારણે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઊભા પાક સુકાઈ રહ્યા છે. પાકને નિષ્ફળ જતો બચાવવા અને પાકને તાત્કાલિક જીવનદાન આપવાના હેતુથી મચ્છુ-૨ ડેમમાંથી સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે સરપંચોના પ્રતિનિધિમંડળે જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવ્યું છે.
મોરબી તાલુકાના માનસર, નારણકા, ગોરખીજડિયા, વનાળીયા, મોડપર અને બિલિયા ગ્રામ પંચાયતના સરપંચોએ એકત્રિત થઈને કલેક્ટર સમક્ષ ખેડૂતોની હાલાકી રજૂ કરી હતી. રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, વરસાદના ખેંચાણને લીધે મોલાત સુકાઈ રહી હોવાથી તાત્કાલિક પિયત માટે પાણી આપવું અનિવાર્ય બન્યું છે. જો સમયસર કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો ખરીફ પાક સંપૂર્ણપણે નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
વધુમાં, સરપંચોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે ખરીફ સીઝન વરસાદના અભાવે ધોવાઈ ગઈ હોવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ કટોકટીમાં મુકાઈ છે. આ સંજોગોમાં રવિ સીઝન સારો પાક લઈ શકાય તે માટે આગામી બે ત્રણ દિવસમા મચ્છુ-૨ ડેમમાંથી રવિ પિયત માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે. મચ્છુ કમાન્ડ એરિયાના તમામ ખેડૂતોના હિતમાં ખરીફ અને રવિ બંને સીઝન માટે ડેમમાંથી પાણી ફાળવવાની કલેક્ટર સમક્ષ સખત માંગ કરવામાં આવી છે.