મોરબી: મોરબી ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી માળિયા તાલુકાના દહીંસરા ગામે ડુપ્લીકેટ ઇંગ્લિશ દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પ્રાથમિક માહિતી મુજબ દહીંસરા ગામે અજયસિંહ ભાવુભા જાડેજાના મકાનમાં બનાવટી ઇંગ્લિશ દારૂ તૈયાર કરવામાં આવતો હતો.
મળતી માહિતી મુજબ, અહીં બ્લેન્ડર કંપનીના નામે બનાવટી ઇંગ્લિશ દારૂ તૈયાર કરવામાં આવતો હતો. દારૂ બનાવવા માટે 200 લિટરના ત્રણ બેરલ કેમિકલ મંગાવવામાં આવ્યા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આ ઉપરાંત બનાવટી દારૂ તૈયાર કરવા માટે બ્લેન્ડર કંપનીની ખાલી બોટલો અને સ્ટીકરો રાજસ્થાનથી મંગાવવામાં આવતા હોવાની માહિતી મળી છે. ક્રાઇમ બ્રાન્ચના દરોડા દરમિયાન અંદાજે 20 પેટી જેટલી બનાવટી દારૂની બોટલો તૈયાર હાલતમાં મળી આવી હોવાનું જાણવા મળ્યું છે.
મહત્વની વાત એ છે કે, આ બનાવટી દારૂનો જથ્થો બજારમાં સપ્લાય થાય તે પહેલાં જ મોરબી ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી સમગ્ર ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચે સ્થળ પરથી કેમિકલ, ખાલી બોટલો, સ્ટીકરો સહિતનો મુદ્દામાલ કબજે કરી સમગ્ર નેટવર્કમાં કોણ-કોણ સંડોવાયેલું છે તેમજ આ બનાવટી દારૂનો જથ્થો ક્યાં સપ્લાય કરવાનો હતો તે સહિતની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.