શિવ પરિવાર સહિત વિવિધ દેવી-દેવતાઓની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે પ્રથમ દિવસે ગણપતિ પૂજન, માતૃકા પૂજન, કુંડ પૂજન અને જલયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
હળવદ : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રી નાગનાથ મહાદેવની અસીમ કૃપાથી નવનિર્મિત નાગનાથ મહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય અને ભક્તિમય પ્રારંભ થયો છે. ત્રણ દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર ગામમાં ધાર્મિક માહોલ છવાયો છે અને ગામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
નવા દેવળીયા ગામે નવનિર્મિત મંદિર ખાતે ભગવાન શિવ પરિવાર ઉપરાંત હનુમાનજી મહારાજ, શ્રી ગણપતિ મહારાજ, માતા મહિષાસુરમર્દિની, શ્રી બટુક ભૈરવ, શ્રી કાળ ભૈરવ તેમજ દિશા દેવોની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવનાર છે. આ પાવન પ્રસંગને લઈને મંદિર પરિસરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે.
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે ધાર્મિક વિધિ-વિધાનો સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગણપતિ પૂજન, માતૃકા પૂજન, કુંડ પૂજન તેમજ જલયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. બાદમાં મહાઆરતી સહિતના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી ભગવાન નાગનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના યજ્ઞના આચાર્ય શાસ્ત્રી શ્રી સંદીપ મહારાજના માર્ગદર્શન અને મુખારવિંદે વિવિધ ધાર્મિક વિધિઓ સંપન્ન કરવામાં આવી રહી છે. વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું.
આ ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા માટે નવા દેવળીયા ગામના તમામ સમાજના લોકો એકજૂથ બની સહયોગ આપી રહ્યા છે. ગામના લોકો દ્વારા તન, મન અને ધનથી મળેલા સહકારથી નાગનાથ મહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
ત્રણ દિવસીય આ પવિત્ર મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ગામમાં ‘હર હર મહાદેવ’ના નાદ સાથે ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી નાગનાથ મહાદેવ મંદિરનો આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યાદગાર બની રહ્યો છે.