મોરબી ખાતે જિલ્લા ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સ અને મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ચેકિંગ રેડ દરમિયાન એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
જેમાં પરસોત્તમ ચોક અને રવાપર રોડ વિસ્તારમાં મહાનગરપાલિકાના ચાલી રહેલા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શનના ટ્રેક્ટર રજીસ્ટર નંબર MP-45- AC-4214 ની તપાસ કરતા તેમાં ૧૩ વર્ષનો સગીર બાળ શ્રમોગી હેલ્પર તરીકે કામ કરતો મળી આવ્યો હતો. ઉંમરની ખાતરી માટે સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ કરાવ્યા બાદ બાળ શ્રમયોગી અંકિત નીનામાને મજૂરીમાંથી મુક્ત કરાવી સમાજ સુરક્ષા અધિકારીના પ્રતિનિધિને સોંપવામાં આવ્યો હતો.
આ મામલે સરકારી શ્રમ અધિકારી મિતેશકુમાર પરસોત્તમભાઈ જોષીની ફરિયાદના આધારે મોરબી મહાનગરપાલિકાના ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શનના કોન્ટ્રાક્ટર ‘શ્રીજી એજન્સીઝ’ના પ્રોપ્રાઇટર રમેશચંદ્ર ખીમાભાઈ ઝોરા (રહે. અમદાવાદ) સામે ૧૪ વર્ષથી ઓછી વયના બાળક પાસે બાળમજૂરી કરાવવા બદલ બાળ અને તરુણ કામદાર (પ્રતિબંધ અને નિયમન) એક્ટની કલમ ૩ અને ૧૪ હેઠળ કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ પણ નોંધવામાં આવી છે. તેમજ કોન્ટ્રાક્ટની શરતો મુજબ બાળમજૂરી ના કરાવવાની તમામ જવાબદારી એજન્સીની હતી, જેનું ઉલ્લંઘન થતાં આ પગલું ભરવામાં આવ્યું છે.