મોરબી LCB અને પેરોલ સ્ટાફની નાઈટ પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી, ચોરીનો ભેદ ઉકેલાયો
મોરબી LCB તથા પેરોલ સ્ટાફની ટીમ નાઈટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ચોરીની બાઈક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ, LCB તથા પેરોલ સ્ટાફની ટીમ માળીયા-મોરબી નેશનલ હાઈવે પર માળીયા ફાટક ઓવરબ્રિજ પહેલાં સર્વિસ રોડ ઉપર પ્રભુકૃપાના ગેટ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, નંબર પ્લેટ વગરની જૂની હોન્ડા મોટરસાયકલ લઈને એક શખ્સ મોરબી તરફ આવવાનો છે.
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન સમીરભાઈ ગફુરભાઈ જેડા (ઉંમર 25 વર્ષ), હાલ રહે. વીશીપરા લાયન્સનગર, મોરબી, મોટરસાયકલ લઈને પસાર થતાં તેને અટકાવી વાહનના દસ્તાવેજો અંગે પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, તેની પાસે વાહનના કોઈ કાગળો ન હોવાનું જણાવતાં પોલીસે મોટરસાયકલની માલિકી અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસની વિશેષ પૂછપરછ દરમિયાન શખ્સે કબૂલાત કરી હતી કે, આશરે દોઢ મહિના પહેલાં પાડા પુલ નીચે ભરાતા રવિવારી બજાર પાસેથી તેણે આ મોટરસાયકલ ચોરી કરી હતી.
પોલીસે પોકેટકોપ સિસ્ટમમાં મોટરસાયકલ અંગે તપાસ કરતાં આ બાઈક બાબતે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું હતું. આ ચોરીનો ગુનો વણશોધાયેલો હતો.
આથી પોલીસે ચોરીની મોટરસાયકલ કબજે કરી આરોપી સમીરભાઈ જેડાને કાયદેસરની કાર્યવાહી માટે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. પોલીસની આ કાર્યવાહીથી દોઢ મહિના જૂની બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો છે.