મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આવા કપરા સમયમાં રોજીરોટી માટે અન્ય ગામોમાંથી આવી ખેતરોમાં રહેતા ખેત મજૂરોની મદદ માટે સમાજસેવાનો સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
આજે શનિવાર સવારે રણછોડભાઈ મગનભાઈ સંઘાણી (કિરણ જનરેટર અને ક્રેનવાળા)દ્વારા ઘુટું ગામ વિસ્તારમાં મજૂરી અર્થે આવીને ખેતરોમાં રહેતા ખેત શ્રમિકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભારે વરસાદને કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલા શ્રમિકોને સમયસર ભોજન મળી રહે તે હેતુથી આ સેવા શરૂ કરવામાં આવી છે.
રણછોડભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી વરસાદી પરિસ્થિતિ યથાવત રહેશે ત્યાં સુધી જરૂરિયાતમંદ ખેત મજૂરોને સતત ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવશે, જેથી કોઈપણ શ્રમિક ભૂખ્યો ન રહે. ભારે વરસાદ વચ્ચે કરવામાં આવેલી આ સેવાકીય કામગીરીને સ્થાનિકો અને ખેત મજૂરો દ્વારા પણ આવકારી માનવતાભર્યો પ્રયાસ ગણાવવામાં આવ્યો છે.