હળવદ સરા ચોકડી પાસે આવેલા ‘લોટ્સ સ્પા’ માં મોરબી એસ.ઓ.જી. પોલીસે સઘન ચેકિંગ હાથ ધરી નિયમોના ઉલ્લંઘન બદલ સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. સ્પામાં કામ કરતા કર્મચારીઓની પોલીસ સ્ટેશનમાં નોંધણી ન કરાવીને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ બી.એન.એસ. કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ દ્વારા હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર્ટર મુજબની કામગીરી અંતર્ગત પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન બાતમીના આધારે પોલીસે હળવદ સરા ચોકડી ક્રોસ રોડ પર હોટલ પાછળ આવેલા કોમ્પ્લેક્સની દુકાન નંબર ૧૧૨ માં કાર્યરત ‘લોટ્સ સ્પા’ માં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. સ્પાના રિસેપ્શન કાઉન્ટર પર હાજર સંચાલક મંગાભાઈ હિરાભાઈ રાજપરા (ઉં.વ. ૩૯, રહે. હળવદ બસ સ્ટેશન પાછળ) ની પોલીસે પૂછપરછ કરી હતી અને સ્પાના લાયસન્સ સહિતના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે સ્પામાં કામ કરતા વર્કર્સના બાયોડેટા ફોર્મ ભરીને પોલીસ સ્ટેશનમાં નિયમ મુજબ નોંધણી કરાવવામાં આવી ન હતી. સંચાલકે બે કર્મચારીઓની માહિતી છુપાવીને જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના જાહેરનામા નંબર એમએજી-૨/સ્પા પાર્લર/જા.નામુ/૨૯૦૫(૭)/૨૦૨૬ નું સરેઆમ ઉલ્લંઘન કર્યું હોવાનું પંચોની રૂબરૂમાં સાબિત થયું હતું. આ બેદરકારી બદલ પોલીસે જાહેરનામાના ભંગ બદલબી.એન.એસ. કલમ-૨૨૩ હેઠળ ગુનો નોંધી સંચાલક સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.