Homeગુજરાતમોરબીઅકસ્માત સર્જી હત્યા નિપજાવવાનું ભયાનક કાવતરું પકડાયું, ગણતરીના કલાકોમાં ૩ આરોપીઓ જેલહવાલે

અકસ્માત સર્જી હત્યા નિપજાવવાનું ભયાનક કાવતરું પકડાયું, ગણતરીના કલાકોમાં ૩ આરોપીઓ જેલહવાલે

મોરબી: મોરબી તાલુકાના નીચી માંડલ ગામથી વાંકડા ગામ તરફ જતા રસ્તે કેનાલ પાસે બનેલી એક સનસનાટીભરી ઘટનામાં લોહી થીજાવી દે તેવો ખુલાસો થયો છે. અકસ્માતનો રૂપ આપીને હત્યા નિપજાવવાના ગુનાહિત કાવતરાનો પર્દાફાશ કરી મોરબી તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ સાતિર આરોપીઓને ઝડપી પાડ્યા છે.

આ કેસની વિગત મુજબ, ફરિયાદી પ્રાણજીવનભાઈ અને તેમનો દીકરો મેહુલભાઈ મોટરસાયકલ (GJ-03-DH-5109) લઈને કોર્ટની મુદત પૂરી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે એક અજાણ્યા સ્કોર્પિયો કારના ચાલકે પાછળથી પૂરઝડપે અને બેદરકારીથી ગાડી ચલાવી બાઇકને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં પિતા-પુત્ર બંનેને શરીરે ગંભીર ઈજાઓ અને ફ્રેક્ચર જેવી વ્યાપક ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ સ્કોર્પિયો ચાલક અકસ્માત અંગે પોલીસને જાણ કર્યા વગર ગાડી લઈને નાસી છૂટ્યો હતો, જેથી શરૂઆતમાં આ મામલે અજાણ્યા ચાલક વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ત્યારબાદ પોલીસ તપાસ અને ઈજાગ્રસ્ત મેહુલભાઈ સહિતના સાક્ષીઓના નિવેદનો દરમિયાન આ સમગ્ર ખેલ પાછળ જમીન વિવાદ હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદીના બાપદાદાની જમીન બાબતે ભાવેશભાઈ ભુદરભાઈ બાવરવા સાથે કોર્ટ કેસ ચાલતો હોય, જેની અદાવતમાં આ હુમલો કરાયો હોવાની શંકા દ્રઢ બની હતી. પોલીસે આસપાસના CCTV ફૂટેજ ચેક કરતા સામે આવ્યું કે અકસ્માત સર્જનાર સ્કોર્પિયો કાર બપોરના આશરે અઢી-ત્રણ વાગ્યાથી જ નીચી માંડલ ગામની આજુબાજુમાં વોચ ગોઠવીને ઊભી હતી અને જેવા ફરિયાદી બાઇક લઈને નીકળ્યા કે તુરંત કારે તેમનો પીછો કરીને અવાવરૂ જગ્યાએ પછાડી દીધા હતા. પોલીસે વધુ તપાસ કરતા માલુમ પડ્યું કે ભાવેશ બાવરવા અને તેના મિત્ર હરેશ ઉર્ફે હર્ષદ દેવજીભાઈ સુરાણીએ કોઈને શંકા ન જાય તે રીતે પિતા-પુત્રને પતાવી દેવાનું કાવતરું ઘડ્યું હતું, જેના માટે હરેશે પોતાના નામે સફેદ કલરની સ્કોર્પિયો કાર ખરીદી હતી. આ ગુનાહિત કૃત્યને અંજામ આપવા માટે તેમણે કચ્છના રાપરના જગદીશ ખીમજીભાઈ મકવાણા (કોળી) નામના ડ્રાઈવરને મોટરસાયકલ આપવાની લાલચ આપીને સામેલ કર્યો હતો.

પોલીસે ટેકનિકલ સોર્સ અને આરોપીઓના મોબાઈલના કોલ ડિટેઈલ્સ (CDR) ચેક કરતા જાણવા મળ્યું કે, કાવતરાના મુખ્ય સૂત્રધારો ભાવેશ અને હરેશ ઘટનાના દિવસે સતત એકબીજાના સંપર્કમાં હતા, જ્યારે અકસ્માત કરનાર ડ્રાઈવર જગદીશ ઘટના પહેલા ક્યારેય તેમના સીધા સંપર્કમાં નહોતો, જેથી આ ઘટના માત્ર અકસ્માત જ દેખાય. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૦૬, ૬૧(૨), ૫૪ નો ઉમેરો કરવા માટે નામદાર કોર્ટમાં રિપોર્ટ કર્યો છે. પોલીસે આ ગુનામાં સામેલ ત્રણેય આરોપીઓ (૧) જગદીશભાઈ ખીમજીભાઈ મકવાણા (ઉં.વ. ૪૨, રહે. વણોઈવાંઢ, રાપર), (૨) હરેશભાઈ દેવજીભાઈ સુરાણી (ઉં.વ. ૪૧, રહે. મોરબી, મૂળ જીકીયારી) અને (૩) ભાવેશભાઈ ભુદરભાઈ બાવરવા (ઉં.વ. ૩૧, રહે. રામનગર, જીકીયાળી) ની ધરપકડ કરી છે. આ સાથે ગુનામાં વપરાયેલી રૂ. ૪,૦૦,૦૦૦/- ની કિંમતની સ્કોર્પિયો કાર (GJ-01-KR-8392) કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.જે. જાડેજા તથા પો.સબ.ઈન્સ.ની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular