જાળી ફિટ કરવા મુદ્દે જૂથ અથડામણ, બે મહિલાઓ સહિત પાંચને ઈજા; 12 આરોપીઓ સામે ગુનો નોંધાયો
હળવદ તાલુકાના રાણેકપર ગામે મંદિરના ગ્રાઉન્ડમાં જાળી અને એંગલ ફિટ કરવા જેવી સામાન્ય બાબતે ભારે હોબાળો મચી ગયો હતો. જુના મનદુઃખ અને ખાર રાખીને એક જ જૂથના ૧૨ જેટલા શખ્સોએ ઘાતક હથિયારો સાથે એકસંપ થઈ પરિવાર પર તૂટી પડ્યા હતા. આ હિંસક હુમલામાં બે મહિલાઓના હાથ ભાંગી ગયા છે જ્યારે અન્ય પુરુષોને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હળવદ પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે ૧૨ ઇસમો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતા અને ખેતી કરતા રતિલાલભાઈ પ્રભુભાઈ બાબરીયા (ઉ.વ.૬૧) એ આરોપી (૧) ચતુરભાઇ વાલજીભાઇ (૨) નિકુલભાઇ મઘાભાઇ (૩) ભાણજીભાઇ ચતુરભાઇ (૪) અનિલભાઇ હેમુભાઇ (૫) હેમુભાઇ વાલજીભાઇ (૬) બાબુભાઇ વાલજીભાઇ (૭) દાદુભાઇ બાબુભાઇ (૮) શૈલેષભાઇ મઘાભાઇ (૯) સુજલભાઇ શામજીભાઇ (૧૦) શામજીભાઇ હેમુભાઇ (૧૧) શિલ્પાબેન અનિલભાઇ (૧૨) મનિષાબેન શામજીભાઇ રહે બધા-રાણેકપર તા.હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનાઓ રાણેકપર ગામે નિલકંઠ મહાદેવના મંદીરના ગ્રાઉન્ડમા જારી,એંગલ ફીટ કરતા હોય જેનો ખાર રાખી આરોપીઓએ પ્રાણઘાતક હથીયારો જેવા કે ધારીયા, લોખંડના પાઇપ,લાકડાના ધોકા, લાકડીઓ ધારણ કરી હુલ્લડ કરી ફરીયાદી તથા સાથીઓને આડેધડ શરીરના ભાગે માર મારી સાથી મુકેશભાઇ તથા જયસુખભાઇને માથામા ગંભીર ઇજાઓ કરી તેમજ સાથી ચંદ્રીકાબેનને ડાબા હાથે ઇજા તથા ફેકચર કરી તથા સાથી જ્યોત્સનાબેનને ડાબા હાથે ફેકચર કરી તેમજ સાથી પ્રભુભાઇને માથના ભાગે ઇજા કરી તેમજ ફરીયાદી તથા અન્ય સાથીઓને નાની મોટી ઇજાઓ કરી ભુંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.