મોરબી તાલુકાના થોરાળા ગામ નજીક આવેલા એક ગેસ એજન્સીના બંધ ગોડાઉનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ ફિલ્મી ઢબે ચોરીને અંજામ આપ્યો છે. ગોડાઉનના મુખ્ય દરવાજાનું મજબૂત તાળું તોડવામાં નિષ્ફળ ગયેલા ચોરોએ આખો દરવાજો જ હૂકમાંથી બહાર કાઢી ખસેડી નાખ્યો હતો અને અંદર પ્રવેશી રૂ. ૯૯,૦૦૦ ની કિંમતના ઇન્ડેન ગેસના ભરેલા ૩૦ બાટલાની ચોરી કરી રફુચક્કર થઈ ગયા છે. આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના થોરાળા ગામના વતની અને હાલ મોરબી શહેરમાં આવેલ શનાળા રોડ પર રામનગર સોસાયટીમાં રહેતા અને વેપાર કરતાં રજનીકાંતભાઈ લાલજીભાઈ મેરજા (ઉ.વ.૫૬)એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે થોરાળા ગામના પાટીયા પાસે ફ્રીડમ ગેસ એજન્સી નામે ઇન્ડેન એલ.પી.જી. ગેસનું ગોડાઉન આવેલ છે. જે ફરીયાદીના બંધ દરવાજાવાળા ગોડાઉનમાંથી મોડી રાતના અંધારામાં કોઈ અજાણ્યા ઇસમે ગોડાઉનના દરવાજાના તાડુ તોડવા પ્રયાસ કરી નહી તુટતા દરવાજાને હુકમાંથી ખોલી ખસેડી ગોડાઉનમાં ગુન્હાહીત અપપ્રવેશ કરી ગોડાઉનમાં સ્ટોકમાં રહેલ ઇન્ડેન ગેસના ભરેલ બાટલા નંગ-૩૦ જે એક બાટલાની કી.રૂ. ૩૩૦૦ ગણી શકાય તે કુલ રૂ. ૯૯૦૦૦/- ની કીંમતના ઈ ન્ડેન ગેસના બાટલાના મુદામાલની ચોરી કરી લઈ જઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.