માળિયા મિયાણા તાલુકાના કાજરડા ગામે સવારે દુકાન પાસે ટીખળ (ટીંગલો) કરવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે રાખેલા ખારમાં બપોરે રેશનિંગ દુકાનદારને રસ્તામાં આંતરી લાકડાના ધોકા વડે માથામાં ફટકારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા અને વેપાર કરતાં ઈસ્માઈલભાઈ કાજેડીયા (ઉ.વ.૪૦) એ આરોપી જલાઉદ્દીન હસણભાઈ કાજેડીયા વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સવારના આરોપી ટીખણ કરતો હોય જેથી તેને ફરીયાદીએ ટોકેલ હોય જે આરોપીને સારૂ ન લાગતા એ વાતનો ખાર રાખી આરોપીએ ફરીયાદી સાથે બોલાચાલી ગાળા ગાળી કરી લાકડાના ધોકા વતી માથાના ભાગે ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.