ટંકારા તાલુકાના નશીતપર ગામની સીમમાં આવેલી એક વાડીમાં જીયારતના તહેવારની ઉજવણી દરમિયાન નજીવી બાબતે મિત્રએ જ મિત્રની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ ટંકારા તાલુકાના નસીતપર ગામના વતની અને હાલ રાજકોટના રતનપર ગામે રહેતા અને ખેતી કરતા અશોકસિંહ હનુભા ઝાલા (ઉ.વ.૪૦) એ આરોપી અનિલ અશ્વિનભાઈ મકવાણા રહે મોરબીવાળા વિરૂદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે જીયારતના તહેવાર નિમિત્તે વાડીની ઓરડી પાસે રવિ રાવળદેવ, અનિલ મકવાણા, કનુ તીતી, હાસમ ચીચો અને અમીન પલેજા સહિતના મિત્રો ભેગા મળીને બેઠા હતા. આ દરમિયાન રાત્રિના આશરે દસેક વાગ્યે અનિલનું પાકીટ ખોવાઈ ગયું હતું. શોધખોળ કરતા આ પાકીટ રવિ પાસેથી મળી આવ્યું હતું, જેના કારણે અનિલ ભારે ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાનું અપમાન થયું હોવાનું અનુભવી તેણે ત્યાં પડેલા લાકડાના ધોકા વડે રવિના માથા તેમજ શરીરના અન્ય ભાગો પર આડેધડ ઘા ઝીંકી દીધા હતા. હુમલાના કારણે ગંભીર રીતે લોહીલુહાણ થયેલા રવિને અન્ય મિત્રો મોટરસાયકલ પર તાત્કાલિક સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, પરંતુ રસ્તામાં જ રવિ બેભાન થઈ ગયો હતો અને હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. રવિનું મોત નીપજતાં જ આરોપી અનિલ હોસ્પિટલેથી તાત્કાલિક નાસી છૂટ્યો હતો. વહેલી સવારે ટંકારા પોલીસે વાડી માલિકનો સંપર્ક કરી સમગ્ર બનાવની જાણ કરી હતી અને હત્યાનો ગુનો દાખલ કરીને ફરાર આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.