કારોબારી સમિતિમાં ₹100 કરોડના વિકાસ કામો મંજૂર, અગાઉથી મંજૂર અને ચાલુ કામો પણ પોતાના નામે ચડાવ્યાનો આક્ષેપ
મોરબી મહાનગરપાલિકામાં ચૂંટાયેલી પાંખ દ્વારા વિકાસ કામોનો જશ ખાટવાની ઉતાવળ જોવા મળી રહી હોવાની ચર્ચા શહેરમાં જોર પકડી રહી છે. તાજેતરમાં મળેલી કારોબારી સમિતિની બેઠકમાં શહેરના વિવિધ વિકાસ કાર્યો માટે અંદાજે ₹100 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી હતી.
જોકે, ચર્ચાનો વિષય એ બન્યો છે કે કારોબારી સમિતિમાં એવા અનેક કામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે મનપામાં વહીવટદાર શાસન દરમિયાન જ મંજૂર થઈ ચૂક્યા હતા. એટલું જ નહીં, કેટલાક કામોની કામગીરી હાલ પણ પ્રગતિ હેઠળ છે. તેમ છતાં આ કામોને ફરી કારોબારી સમિતિમાં રજૂ કરી મંજૂર થયેલા કામોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે
આ મુદ્દે શહેરમાં એવી ચર્ચા ચાલી રહી છે કે અગાઉથી મંજૂર અને ચાલુ વિકાસ કામોનો શ્રેય પણ ચૂંટાયેલી પાંખ પોતાના નામે ચડાવવાનો પ્રયાસ કરી રહી છે. જેના કારણે વિકાસ કામોની વાસ્તવિક સ્થિતિ અને મંજૂરી પ્રક્રિયા અંગે પ્રશ્નો ઉભા થયા છે. હવે આ મામલે મનપા તંત્ર અથવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.