Homeગુજરાતમોરબીગીરમાં ગેરકાયદે સિંહ દર્શન પર વન વિભાગની રેડ

ગીરમાં ગેરકાયદે સિંહ દર્શન પર વન વિભાગની રેડ

‘મંત્રી, મોરબી શહેર ભાજપ’ લખેલી થાર કબજે, માલિકીની તપાસ તેજ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના મંડોર ગામ નજીક ગેરકાયદે સિંહ દર્શન કરાવવાના મામલે વન વિભાગે મોડી રાત્રે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. રેડ દરમિયાન સ્થળ પર હાજર લોકો અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા, જ્યારે વન વિભાગે એક મોપેડ અને નંબર પ્લેટ વગરની મહિન્દ્રા થાર કાર કબજે કરી હતી.

વન વિભાગને મળેલી બાતમીના આધારે સ્પેશિયલ ટીમે કાર્યવાહી કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ કેટલાક લોકો પ્રતિબંધિત સમય દરમિયાન પ્રવાસીઓને સિંહ દર્શન કરાવી રહ્યા હતા. ટીમ પહોંચતા જ સંડોવાયેલા લોકો વાહનો મૂકીને નાસી છૂટ્યા હતા.

કબજે કરાયેલી મહિન્દ્રા થાર ખાસ ચર્ચાનું કેન્દ્ર બની છે, કારણ કે તેના આગળના કાચ પર ‘મંત્રી, મોરબી શહેર ભાજપ’ લખાયેલું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. વાહન પર કોઈ માન્ય નંબર પ્લેટ ન હોવાથી સમગ્ર મામલે અનેક પ્રશ્નો ઉભા થયા છે.

સ્થાનિક સ્તરે એવી ચર્ચા પણ ચાલી રહી છે કે જપ્ત કરાયેલા વાહનમાંથી દારૂની બોટલો મળી આવી હોવાની શક્યતા છે. જોકે આ અંગે વન વિભાગ અથવા પોલીસ દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

વન્યજીવ પ્રેમીઓ અને સ્થાનિક લોકોએ ઘટનાને ગંભીર ગણાવી છે. તેમનું કહેવું છે કે જંગલના નિયમો દરેક માટે સમાન હોવા જોઈએ અને કોઈપણ પ્રકારની રાજકીય કે સામાજિક ઓળખના આધારે છૂટછાટ ન મળવી જોઈએ.

હાલ વન વિભાગ વાહનના ચેસિસ અને એન્જિન નંબરના આધારે માલિકીની વિગતો મેળવવા આરટીઓની મદદ લઈ રહ્યું છે. સાથે જ વાહન પર લગાવવામાં આવેલું બોર્ડ વાસ્તવિક છે કે માત્ર પ્રભાવ પાડવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

વન વિભાગે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. તપાસ પૂર્ણ થયા બાદ ગેરકાયદે સિંહ દર્શનના નેટવર્ક અને તેમાં સંકળાયેલા લોકો અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular