હળવદ તાલુકાના જુના માલણીયાદ ગામમાં પડોશમાં રહેતા શખ્સો દ્વારા શેરીમાં પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે વૃદ્ધ પર લોખંડના સળિયા અને ઢીકાપાટુ વડે હુમલો કરાયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના માલણીયાદ ગામે રહેતા અને મજૂરીકામ કરતા જેરામભાઈ રેવાભાઈ ગુંદારીયા (ઉ.વ.૬૦) એ તેમના જ ગામના આરોપી માનસિંગભાઈ નાનુભાઈ ઉધરેજા સવજીભાઈ નાનુજીભાઈ ઉધરેજા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાથી હરેશભાઇ એમ બન્ને આરોપીઓને શેરીમા પાણી ઢોળવા બાબતે સમજાવતા હતા ત્યારે આરોપી માનસિંગભાઈએ એકદમ ઉશ્કેરાઇ જઇ તેના હાથમાં રહેલ લોખંડનું સણોથુ ફરીયાદીને માથાના ભાગે મારી ઇજા કરી તથા આરોપી સવજીભાઈએ ફરીયાદી ઉપર બેસી ઢીકા પાટુ મારી મુંઢ ઈજા કરી બન્નેએ ભુંડા બોલી ગાળો આપી ફરી વખત સમજાવવા આવશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.