ચોમાસા કે વાવેતરની સીઝનમાં સીમ વિસ્તારમાં ખેતીના સાધનો અને કિંમતી વસ્તુઓની ચોરી કરતી ટોળકીઓ સક્રિય થતી હોય છે. આવો જ એક કિસ્સો માળિયા મિયાણા તાલુકાના ઘાંટીલા ગામની સીમમાંથી સામે આવ્યો છે, જ્યાં કપાસના પાકમાં પાણી પાવા માટે મુકેલા ડીઝલ એન્જિનમાંથી ઓઇલ-ડીઝલની ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. જાગૃત ખેડૂતોએ ફિલ્મી ઢબે પીછો કરીને એક ચોરને બાઇક અને ચોરીના મુદ્દામાલ સાથે દબોચી લઈ પોલીસ હવાલે કર્યો હતો.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના ઘાંટીલા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા રાજેશભાઈ ગોવિંદભાઈ વિડજા (ઉ.વ.૫૩) એ આરોપી સુમિતભાઈ લાભુભાઈ ઝીંઝરીયા, સુનીલભાઈ મનજીભાઈ ઝીઝરીયા, સુરેશભાઈ મનજીભાઈ ઝીઝરીયા, અશ્વિનભાઈ વેલજીભાઈ ઝીઝવાડીયા રહે. બધા ગામ કોપરણી, તા. ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગરવાળા વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી સુમિતભાઈએ પોતાના હવાલા વાળુ હિરો કંપની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નં. GJ-36 AQ-3502 વાળા સાથે આરોપી સુનિલભાઈ, સુરેશભાઈ, અશ્વિનભાઈઓ અન્ય એક મોટરસાયકલ સાથે આવી ફરીયાદી તથા સાથીના કેનાલ ઉપર જાહેર જગ્યામા મુકેલ પાણી પાવાના ડીઝલ મશીનમાથી ડીઝલ ચોરી કરી આરોપી સુમિત ભાઈ ફરીયાદીના ડીઝલ મશીન માથી એક પ્લાસ્ટિકના કેરબામા આશરે ડીઝલ લીટર ૦૨ કિંમત રૂ. ૧૯૫/- ના ચોરી કરેલ ડીઝલ તથા છરી સાથે મળી આવતા ખેડૂતોએ પકડી પાડેલ તેમજ આરોપી સુનિલભાઈ, સુરેશભાઈ, અશ્વિનભાઈનાઓ પોતાના હસ્તકના મોટરસાયકલ લઈને નાસી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.