ઉનાળાની ગરમી વચ્ચે પાણી માટે લોકો પરેશાન, તાત્કાલિક પુરવઠો શરૂ કરવાની માંગ
મોરબીના મહેન્દ્રનગરમાં છેલ્લા 12-15 દિવસથી પીવાના પાણીનું વિતરણ સંપૂર્ણપણે બંધ થઈ જતાં સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણી પુરવઠો ખોરવાઈ જતાં વિસ્તારના લોકો પીવાના તેમજ દૈનિક વપરાશના પાણી માટે વલખાં મારી રહ્યા છે. આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક આગેવાન મુકેશભાઈ ગામી દ્વારા મોરબી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવ્યું છે કે મહેન્દ્રનગર વિસ્તારમાં છેલ્લા અંદાજે ૧૨ થી ૧૫ દિવસથી પીવાના પાણીનું વિતરણ બંધ છે. હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને તાપમાન સતત વધી રહ્યું છે, ત્યારે પાણીની જરૂરિયાત સૌથી વધુ હોય છે. આવા સમયે જ લાંબા સમયથી પાણી પુરવઠો બંધ રહેતા નાગરિકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને આ વિકટ પરિસ્થિતિમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તેમજ મહેન્દ્રનગર વિસ્તારમાં પાણી વિતરણ શા માટે બંધ છે તેની વહીવટી તંત્ર દ્વારા સત્વરે તપાસ કરવામાં આવે. આ સાથે જ ખોરવાયેલો પાણી પુરવઠો તાત્કાલિક ધોરણે પુનઃ શરૂ કરાવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. સ્થાનિકોએ એ પણ આગ્રહ કર્યો છે કે ભવિષ્યમાં આવી ગંભીર સમસ્યા ફરીથી ક્યારેય સર્જાય નહીં તે માટે મહાનગરપાલિકા દ્વારા અત્યારથી જ યોગ્ય અને નક્કર આયોજન કરવામાં આવે તેવી માંગ કરી છે.