મોરબી શહેરમાં તસ્કરો અને લૂંટારુઓ બેફામ બન્યા હોય તેમ ચીલઝડપની ઘટના સામે આવી છે. જેમાં મોરબીના સામાકાંઠે ડી-માર્ટમાંથી ખરીદી કરીને પોતાના ઘર તરફ પરત ફરી રહેલા એક મધ્યમવર્ગીય પરિવારને નિશાન બનાવી, મોટરસાયકલ પર આવેલા એક અજાણ્યા બુકાનીધારી શખ્સે ચાલુ એક્ટિવાએ મહિલાના ગળામાંથી અંદાજે દોઢ તોલા સોનાનો ચેઈન આંચકો મારીને લૂંટી લીધો હતો અને પલાયન થઈ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર સત્યમપાન વાળી શેરી, ભક્તિનગરમાં રહેતા અને મોરબી લાતી પ્લોટ મુનનગર ચોકમાં આવેલી સવેરા ટાઈમ્સ નામની ઘડિયાળના કારખાનામાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ભાવેશભાઈ વિનુભાઈ મહેતા (ઉ.વ. ૫૧)એ આરોપી અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તેમના એકટીવા મોટર સાયકલ ઉપર ખરીદી કરીને પરત ઘરે જતા હતા ત્યારે અજાણ્યા મોટરસાયકલ ચાલકએ ફરીયાદીના પત્નીના ગળામાં પહેરેલ સોનાનો ચેઇન આશરે દોઢ તોલા રૂ.૧,૭૫,૦૦૦/-ની ચીલઝડપ કરી ઝુટવી નાસી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.