મોરબીના એક અનાજ-કિરાણાના વેપારીને પ્રેમજાળમાં ફસાવી, લગ્નના ખોટા વાયદા આપી તેમજ વતનમાં મકાન બનાવવાના બહાને એક યુવતી દ્વારા કટકે-કટકે કુલ રૂપિયા ૧૯ લાખ રૂપિયા પડાવ્યા હોવાની સળગતી ફરિયાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે નોંધાતા ચકચાર મચી ગઈ છે. ભોગ બનનાર વેપારીને છેલ્લે યુવતી અને તેના સાથીદારો દ્વારા ન્યૂડ વીડિયો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.
મોરબીમાં રહેતા અને કિરાણાની દુકાન ચલાવતા ૩૧ વર્ષીય યુવક અવારનવાર મોરબીના શનાળા રોડ પર આવેલા એક સ્પામાં મસાજ લેવા જતા હતા. આ દરમિયાન ત્યાં કામ કરતી હરિયાણા મૂળની એક યુવતી સાથે તેમનો સંપર્ક થયો હતો. વાતચીતનો દોર વધતા બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. યુવતીએ પોતે પરિણીત હોવા છતાં પતિથી છૂટાછેડા લઈ લીધા છે અને હાલ એકલી રહે છે તેવું જણાવી વેપારી સાથે લગ્ન કરવાની અને સ્પાનું કામ છોડી દેવાની ખાતરી આપી વિશ્વાસમાં લીધો હતો. ફરીયાદીને યુવતીએ પ્રેમજાળમાં ફસાવી સંબંધ કેળવી સાથે ફોટા વીડીઓ ઉતારી ફોટા તેમજ વીડીઓ વાયરલ કરી બદનામ કરવાની તથા બળાત્કારના ખોટા કેશમા ફસાવી દેવાની ધમકી આપી અલગ-અલગ સમયે આશરે કુલ. રૂ. ૧૭,૭૮, ૫૦૦/- જેટલી રોકડ રકમ પડાવી તેમજ ફરીયાદી પાસેથી સોનાના દાગીના જેમાં સોનાની એક જોડી બુટી રૂ.૧૩૦૦૦/- તેમજ સોનાનુ બ્રેસલેટ રૂ.૪૫૦૦૦/-, તેમજ બે સોનાની વીટી રૂ.૧૩૫૦૦/- ની વસ્તુ બળજબરી પુર્વ કે કઢાવી લઈ તથા આ કામના આરોપી એ ફરીયાદીને પોતે આરોપીના પતી હોવાની ઓળખ આપી બળાત્કારના ગુન્હામાં ફીટ કરી દેવાની ધમકી આપી તેમજ આરોપીના પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી ફરીયાદીને નાર્કોટીક્સ ના ગુન્હામા ફીટ કરી દેવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.