મોરબી; હાલ ચાલી રહેલી ટી-૨૦ ક્રિકેટ મેચો પર સટ્ટો રમતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. અયોધ્યાપુરી રોડ પર ક્રિકેટ મેચના રનફેર પર જુગાર રમતા બે શખ્સોને પોલીસે રૂ. ૯૩,૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય બે શખ્સોને પકડવા માટે તપાસ હાથ ધરી છે.
મોરબી સીટી એ-ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય ત્યારે બાતમી મળી હતી કે અયોધ્યાપુરી રોડ પર સત્યમ બેટરીની દુકાન પાસે અમુક શખ્સો ક્રિકેટ મેચ પર જુગાર રમી રહ્યા છે. પોલીસે દરોડો પાડતા સ્થળ પર દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તા નાઈટ રાઇડર્સ ટીમ વચ્ચે ચાલતી ટી-૨૦ ક્રિકેટ મેચ પર જુગાર રમતા બે ઈસમો રાજેશભાઈ અશ્વિનભાઈ ઉભડીયા (ઉ.વ.૨૮) રહે. વાઘપરા મોરબી તથા અજયભાઈ ગોપાલભાઈ ભડલકીયા (ઉ.વ.૨૫) રહે. લિલાપર રોડ હોથીપીરની દરગાહ પાસે મફતીયાપરા મોરબીવાળાને રોકડ રૂપિયા ૩૭૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૩ કિંમત રૂપિયા ૪૦,૦૦૦ તથા મોટરસાયકલ રજીસ્ટર નંબર જીજે-૩૬-બી.એ.-૦૪૩૦ કિંમત રૂપિયા ૫૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૯૩,૭૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય બે ઈસમો વિશુભા ઝાલા રહે. મોરબી તથા ઇસ્માઇલભાઇ કુરેશી રહે. કબીર ટેકરી મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.