મોરબી જિલ્લામાં બાળ મજૂરી નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબી શહેરમાં આવતા મહેન્દ્રનગર ચોકડી વિસ્તારમાં નવા બની રહેલા રોડ પર સગીર વયના બાળકો પાસે મજૂરી કરાવતા એક કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) ની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે મહેન્દ્રનગરથી મોરબી-કંડલા હાઈવે તરફ જતા નવા બનતા રોડ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપી કોન્ટ્રાક્ટર દ્વારા સગીર વયના બાળ કિશોર પાસે રોડ પર પથ્થરો હટાવવા, સાવરણાથી સફાઈ કરવી અને સળિયાના સેન્ટિંગ જેવી જોખમી મજૂરી કરાવવામાં આવી રહી હતી. જેથી આરોપી કોન્ટ્રાકટર ભગવાનસિંહ નારાયણસિંહ ચૌહાણ રહે. હરિઓમ પાર્ક પાસે, મોરબી, મૂળ રહે. સતલાસણા, જી. મહેસાણાવાળા વિરુદ્ધ બાળ અને તરૂણ (પ્રતિબંધિત) કાયદાની કલમ -૩,૭ અને ૧૪(૧) તથા જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન) એક્ટ ન કલમ -૭૯ મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.