હળવદના લક્ષ્મીનારાયણ ચોક વિસ્તારમાં રાત્રિના સમયે વોકિંગ કરવા નીકળેલા એક દંપતીને વિસ્તારના જ એક શખ્સે તલવારો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ભોગ બનનાર યુવકે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ લક્ષ્મીનારાયણ ચોકમાં પારેખ ફળીયામાં રહેતા અભિષેકભાઈ સુભાષભાઈ જોષી (ઉ.વ.૪૧) એ આરોપી ગૌતમ ગોઠી રહે. કણબીપરા હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ૨૧ એપ્રિલના રાતના સાડા દશ વાગયે ફરીયાદી તથા મારા પત્ની અમારી શેરીમાં વોકીંગ કરતા હોય તે દરમ્યાન હળવદ કણબીપરા માં રહેતો ગૌતમ ગોઠી તેના મોટર સાયકલ ઉપર બેસી ગાળો બોલતો હતો જેથી અમે ગાળો બોલવાની ના પાડતા ફરીયાદીને ગાળો દીધલ અને બોલેલ કે મને ઓળખે છે “હું ગૌતમ ગોઠી કણબીપરા વાળો તેમ કહેતા મારી પત્ની મને સમજાવી ને અમારા ઘરે લઇ ગયેલ અને ત્યારબાદ ૧૦ મીનીટ બાદ આ ગૌતમ બે તલવાર લઈને અમારી શેરીમાં આવેલ અને બોલવા લાગેલ કે મને કયારેય ગાળો બાબતે બોલીશ તો જાન થી મારી નાખવો પડશે તેમ ધમકી આપી હોય જેથી આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.