મોરબીના જેતપર ગામે હનુમાન જયંતી નિમિત્તે પુનર્નિર્માણ પામેલ હનુમાનજી મંદિર ખાતે બોસીયા પરિવાર તેમજ ઝંઝવાડીયા પરિવારના યજમાનપદે ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો ગામના રામજી મંદિરના ચોકમાંથી હનુમાનજીના મંદિર સુધી ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી.
જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ ભાવિક ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા બાદ મંદિરે યજ્ઞ કરવામાં આવ્યો. જેમાં રામજી મંદિરના મહંત શ્રી પ્રકાશ મહારાજ, મહાકાલેશ્વર શિવ મંદિરના મહંતશ્રી બલરાજગીરી બાપુ, જડેશ્વર મંદિરના મહંતશ્રી ભાણદાસ બાપુ, દુધઈ જગ્યાના મોહન ગુરુ શ્રી કેશવદાસ બાપુ, હળવદ ગુરુ શ્રી સેવાળદાસ બાપુ વગેરે સંતો તેમજ અનુસૂચિત જાતિ મોરચાના મોરબી જિલ્લા પ્રમુખ વિઠ્ઠલભાઈ ચાવડા તેમજ પૂર્વ પ્રમુખ બાબુભાઈ પરમારે હાજરી આપી હતી. બોસિયા પરિવાર તેમજ ઝંઝવાડીયા પરિવાર દ્વારા સંતોનું, દાતાઓનુ તેમજ ભુવાઓનુ સ્વાગત સન્માન કરવામાં આવ્યું. સરપંચ જેઠાભાઈ બોસિયા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું. તેમજ સંતોએ આશીર્વચન પાઠવેલ.
જેતપર ગામના તમામ સમાજ આ શુભકાર્યમાં સહભાગી થયા અને સાથે પ્રસાદ લીધો. આ પાવન અવસરે જેતપર ગામે સામાજિક સમરસતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. આ પ્રસંગને સફળ બનાવવા હરેશભાઈ બોસિયા અને દલિત સમાજ યુવા ટીમ તેમજ ગ્રામજનોએ વિશેષ જહેમત ઉઠાવી હતી.