જમીન સાથે સંકળાયેલા માલધારી સમાજમાં હજુ પણ કેટલાક રૂઢી કુંવરીવાજોને ત્યાગી વધુને વધુ શિક્ષણ ઉપર ભાર મૂકી સમાજના વિકાસથી દેશનું ભવિષ્ય ઉજ્જવળ બને તેવા તથા રબારી ભરવાડ સમાજને મજબૂતીથી એકસુત્રે બાંધવા માટે સંગઠન બનાવવાના નિર્ણયો લેવાયા
મોરબી : મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા અને ધરતી માતાના ખોળે જ જીવન જીવીને વર્ષોથી પરંપરાગત પશુપાલનથી રોજીરોટી મેળવી મચ્છુ માતાનું લોકમાતા તરીકે પૂજન કરતા માલધારી એટલે રબારી ભરવાડ સમાજ ભલે આર્થિક રીતે સધ્ધર ન હોય પણ સંસ્કાર, સમજણ અને ખાસ કરીને પહેરવેશ તેમજ હુડો, રાસ, ટીટોડો સહિતની સંસ્કૃતિ જ એમના જીવનની સાચી મૂડી હોય હવે આ સમાજ આજના હાઈટેક યુગમાં કદમ સાથે કદમ મિલાવી શિક્ષણ, ટેકનોલોજી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવી હોય પણ હજુ સમાજ સામે એકતા તેમજ યુવાનોમાં શિક્ષણ સાથે સંસ્કૃતિ, સંસ્કારનું સિંચન કરવા કેટલાક પડકારો હોવાથી મોરબી શહેર ખાતે શ્રી મચ્છુ માતાજી મંદિરના પવિત્ર સાનિધ્યમાં રબારી અને ભરવાડ સમાજની મહત્વની એકતા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં હજુ પણ સમાજમાં રહેલા કેટલાક રૂઢિવાદી કુંવરીવાજોને નાબૂદ કરી, દીકરી અને દીકરાને એક જ સમાન ગણી બન્ને સારું શિક્ષણ આપી ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની સાથે સમગ્ર સમાજના સર્વાંગી વિકાસ માટે અથાક પ્રયાસો કરવાનો સમાજના તમામ મોભાદાર વડીલો અને સર્વે આગેવાનોએ દ્રઢ નિશ્ચિય વ્યક્ત કર્યો હતો.
રબારી ભરવાડ સમાજની એકતા બેઠકમાં મોભાદાર વડીલો, આગેવાનો તથા યુવાનોની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી, જેથી સમાજમાં એકતા અને સંગઠનશક્તિના દર્શન જીવંત થયા હતા. જેના પરિણામે સમગ્ર એકતા બેઠકનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સમાજબંધી ભાઈઓએ એક મંચ પર ભેગા થઈને પરસ્પર સ્નેહ, વિશ્વાસ અને જોડાણની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી. આ તકે કેટલાક રૂઢી કુંવરીવાજોને ત્યાગી વધુને વધુ શિક્ષણ ઉપર ભાર મૂકી સમાજના વિકાસથી દેશનું ભવિષ્ય ઉજ્જવળ બને તેવા તથા રબારી ભરવાડ સમાજને મજબૂતીથી એકસુત્રે બાંધવા માટે સંગઠન બનાવવાના નિર્ણયો લેવાયા હતા. આ મહત્વની બેઠક દરમિયાન સમાજના સર્વાંગી વિકાસ માટે સંગઠિત પ્રયાસોની દિશામાં મહત્વપૂર્ણ શરૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને શિક્ષણ, સામાજિક જાગૃતિ અને રાજકીય સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં મજબૂત સંગઠન ઉભું કરીને સક્રિય કાર્ય શરૂ કરવાની દિશામાં સર્વસંમતિથી સંકલ્પ લેવાયો હતો.
આ પ્રસંગે માલધારી સમાજના આગેવાન ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે આજે મોરબીની ધરતી પર જે એકતા અને જોડાણ જોવા મળ્યું છે તે સમાજ માટે ગૌરવની વાત છે. સમાજની સાચી શક્તિ તેની સંખ્યામાં નહીં પરંતુ તેની એકતા અને સંગઠનશક્તિમાં હોય છે અને આજનો આ પ્રયાસ માત્ર એક બેઠક પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ આવનારા સમયમાં શિક્ષણ, સામાજિક અને રાજકીય ક્ષેત્રે સમાજને સશક્ત બનાવવા માટે સતત કાર્યરૂપ બનશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે સમાજ એક બને છે ત્યારે વિકાસના નવા દ્વાર ખુલે છે અને સમાજ પોતાનું સ્થાન મજબૂતીથી સ્થાપિત કરી શકે છે, તેમજ આજની આ શરૂઆત સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે એક મજબૂત આધાર બની રહેશે. કાર્યક્રમના અંતે તમામ માટે તવા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજબંધી ભાઈઓએ સહભાગી બનીને એકતાની ભાવનાને વધુ ગાઢ બનાવી હતી. આ સમગ્ર કાર્યક્રમ સમાજની એકતા, સજાગતા અને સંગઠનશક્તિનું ઉત્તમ પ્રતિબિંબ બની રહ્યો હતો.આ કાર્યક્રમ ને સફળ કરવા મહંત કિશન ભગત,જયેશભાઈ ગોલતર,સંજયભાઈ રાતડિયા,મોતીભાઈ મૂંધવા,
દાનાભાઈ બાંભવા, રૈયાભાઈ મૂંધવા,નવઘણભાઈ રાતડિયા,ઘોઘાભાઈ ટોય તેમજ દિનેશભાઈ રબારી,અશોકભાઈ ખાંભલા,હસમુખભાઈ ભુંભરીયા,રમેશભાઈ કરોતરા,મોતીભાઈ કરોતરા, મહેશભાઈ ભુંભરીયા સહિતનાઓ જહેમત ઉઠાવી હતી.