મોરબીમાં રાજકીય ગરમી ચડતી જઈ રહી છે અને કેટલાક પ્રજા વચ્ચે થી ગુમ થયેલા નેતા મહાનગરપાલિકાની ટિકિટ માટે દોડધામ કરી રહ્યા છે
મોરબીમાં ટૂંક સમયમાં પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની તૈયારી વચ્ચે રાજકીય માહોલ ગરમ બનતો જઈ રહ્યો છે. ચૂંટણીનું બ્યુગલ ફૂંકાતાં જ વર્ષોથી પ્રજાની વચ્ચે નજરે ન પડતા કેટલાક નેતાઓ ફરી એકવાર સક્રિય બનતા જોવા મળશે એવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં શરૂ થઈ ગઈ છે. ચૂંટણી નજીક આવે એટલે જ પ્રજા વચ્ચે દેખાવાની પરંપરા ફરી જીવંત થવાની શક્યતા દેખાઈ રહી છે.
મોરબીવાસીઓ હજુ પણ તે દિવસો ભૂલ્યા નથી જ્યારે મોરબી નગરપાલિકા મહાનગરપાલિકામાં રૂપાંતરિત થઈ ત્યારે શહેરના વિકાસ અંગે મોટી આશાઓ જગાવી હતી. પરંતુ સમય જતા ઘણી આશાઓ અધૂરી રહી ગઈ હોવાનું લોકોમાં મનાઈ રહ્યું છે. ચોમાસામાં વરસાદી પાણીથી રસ્તાઓ તૂટી પડતા લોકો રોડ પર ઉતરી ચક્કાજામ કરીને રીપેરીંગની માંગ કરતા હતા, ત્યારે ઘણા નેતાઓ ક્યાં હતા? ગટરના પાણી ઘરોમાં ઘૂસતા અને લોકો મહાનગરપાલિકા કચેરીએ ટોળેટોળા ભેગા થઈ રજૂઆત કરતા હતા, ત્યારે પણ ઘણા રાજકીય ચહેરાઓ ગાયબ હોવાનું લોકો કહે છે. શિયાળામાં પાણી માટે લોકો વલખાં મારતા હતા ત્યારે પણ પ્રજાને નેતાઓ યાદ આવ્યા નહોતા એવી ચર્ચા થઈ રહી છે.
મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા બનતા જ વેરામાં વધારો થયો, પરંતુ શહેરની મૂળભૂત સુવિધાઓમાં મોટા ફેરફાર ન જોવા મળ્યા હોવાનું લોકોમાં મનાઈ રહ્યું છે. પ્રજાએ વધેલા વેરાનો ભાર તો સહન કર્યો પરંતુ સુવિધાઓનો લાભ પૂરતો મળ્યો નથી તેવી ફરિયાદો સાંભળવા મળી રહી છે. ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે પ્રજાના હક્કો માટે લડત આપવાના દાવા કરનાર નેતાઓ ત્યારે ક્યાં ખોવાઈ ગયા હતા?
લોકોમાં હવે એવી પણ ચર્ચા છે કે જ્યારે પ્રજાને જરૂર હોય ત્યારે કેટલાક નેતાઓ ‘મિસ્ટર ઇન્ડિયા’ બની જાય છે અને ચૂંટણી સમયે ફરીથી પ્રજાની વચ્ચે દેખાય છે. હવે મોરબીની પ્રજા આવા નેતાઓને ઓળખી ગઈ હોવાનું લોકો કહી રહ્યા છે. ચૂંટણી સમયે આવા નેતાઓનું સ્વાગત ફૂલહારથી થશે કે પછી પ્રજાનો ગુસ્સો કંઈક અલગ રીતે જોવા મળશે, તે સમય જ બતાવશે.
ઉલ્લેખનીય છે કે મોરબી બ્રિજ દુર્ઘટના બાદ શહેરના વિકાસને લઈને હજુ પણ અનેક પ્રશ્નો અધૂરા છે. શહેરના રસ્તા, પાણી, ગટર અને અન્ય સુવિધાઓના મુદ્દાઓ પર લોકો હજુ પણ અવાજ ઉઠાવી રહ્યા છે. ત્યારે ચૂંટણી પહેલા ફરીથી વચનોની વરસાદ થશે કે ખરેખર વિકાસના મુદ્દા પર ચર્ચા થશે તે પણ મહત્વનો પ્રશ્ન બની રહ્યો છે.
મોરબીની પ્રથમ મહાનગરપાલિકા ચૂંટણી નજીક આવતાં હવે રાજકીય ચહેરાઓ ફરી સક્રિય બનવાના સંકેતો મળી રહ્યા છે. ત્યારે મોરબીની પ્રજા આ વખતે કામના આધારે નિર્ણય લેશે એવી ચર્ચાઓ શહેરમાં ચાલી રહી છે.