માળિયા મિયાણા તાલુકાના વિદરકા ગામે આઠમના તહેવારની રાત્રે દારૂના કેસમાં પકડાયા હોવાની વાતો અને ખોટી અફવાઓ ફેલાવવા બાબતે બે પક્ષો સામસામે આવી ગયા હતા. જૂની વાતનો ખાર રાખીને થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને જૂથો વચ્ચે ઝપાઝપી, લાકડાના ધોકા વડે હુમલો અને ઢીકાપાટુનો માર મારવાની ઘટના બની હતી. આ બનાવ અંગે બંને પક્ષે સામસામે નામજોગ પોલીસ મથકે ગુનો નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મૂળ માળીયા તાલુકાના વિદરકા ગામના વતની અને હાલ મોરબી શનાળા રોડ પર રહેતા વિશાલભાઈ મનસુખભાઈ બાબરીયા (ઉ.વ.૨૨) એ આરોપી અનીલ નીલેશભાઈ થરેશા, રાકેશ નીલેશભાઈ થરેશા, અજયભાઈ રમેશભાઈ થરેસા, ગેલાભાઈ રમેશભાઈ થરેશા રહે. બધા વિદરકા ગામવાળા વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી અનીલ પ્રોહિબીશન ગુન્હામાં પકડાયેલ હોય અને તેમની વાતો ફરીયાદી ગામમા કરતા હોય તે બાબતનો વહેમ રાખી ફરીયાદીને આરોપી અનિલએ બોલાચાલી ગાળાગાળી કરી ઝપાઝપી કરી તથા આરોપી રાકેશએ ફરીયાદી ને ગાળો આપી લાકડાના ધોકા વડે સાથળના ભાગે મારી તથા આરોપી અજયભાઈ તથા ગેલાભાઈએ ફરીયાદીને ગાળો આપી શરીરે ઢીકા પાટુનો મુંઢ માર મુંઢ ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવી છે.
જ્યારે સામાપક્ષે અનિલભાઈ નીલેશભાઈ થરેશા (ઉ.વ.૨૦) એ આરોપી વિશાલ મનસુખભાઈ બાબરીયા, અમીત મનસુખભાઈ બાબરીયા, રાજદીપ નાનજીભાઈ બાબરીયા રહે. ગામ, વીરવદરકા, તા. માળીયાવાળા વિરુદ્ધ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી વિશાલ અગાઉના દારૂના કેશ બાબતે ન્યુઝમાં આવેલ ખબર બાબતે ફરીયાદિની ખોટી અફવાઓ ફેલાવી પુછ પરછ કરતો હોય જેથી ફરીયાદિએ ખોટી અફવાઓ ના ફેલાવવા જણાવતા ફરીયાદિ સાથે બોલાચાલી કરી ગાળો આપી ફરીયાદિને લાફો મારી પાડી દઈ જમણા પગામાં ધોકો મારી તથા અરોપી અમિત તથા રાજદિપએ ફરીયાદિને ઢીકા પાટુનો માર મારી ગાળો આપી શરીરે મુંઢ ઇંજા કરી હોવાની ફરીયાદ નોંધાવી છે.
બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.