વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે જૂની અદાવતે ગતરાત્રીના લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બે જૂથો વચ્ચે થયેલી સશસ્ત્ર અથડામણમાં વિરમભાઈ સામતભાઈ સરૈયા નામના ભરવાડ યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ જૂની અદાવતને લઈને બંને જૂથો સામસામે આવી ગયા હતા અને બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા બંને પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. આ દરમિયાન તીક્ષ્ણ હથિયારો વડે હુમલા થતાં વિરમભાઈ સરૈયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું મોત થયું હતું.
અથડામણમાં બંને જૂથના મળી 4થી 5 લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક ઈજાગ્રસ્તની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
ઘટનાની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક વસુંધરા ગામે પહોંચ્યો હતો. વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.