મોરબી: લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર ચાર્ટર્ડ સભ્યો, સક્રિય લાયન્સ સભ્યો, તબીબો તથા સેવાભાવી દાતાઓનું શિલ્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પાંચ ચાર્ટર્ડ સભ્યો તેમજ વર્ષ 2025-26ના પ્રમુખ, સેક્રેટરી અને ખજાનચીનું સિનિયર લાયન સભ્યો તથા વર્ષ 2025-26ના પ્રમુખ લા. હરખજીભાઈ ટી. સુવારિયાના હસ્તે શિલ્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત વર્ષ 2025-26 દરમિયાન ક્લબના દરેક સેવાકીય પ્રોજેક્ટમાં તન, મન અને ધનથી સક્રિય ભાગ લેનાર 18 લાયન સભ્યોનું પણ પ્રમુખ લા. હરખજીભાઈ ટી. સુવારિયાના સૌજન્યથી તેમના જ હસ્તે શિલ્ડ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.
ક્લબના કાયમી પ્રોજેક્ટ અંતર્ગત નિઃશુલ્ક ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ચેકઅપમાં નિસ્વાર્થ સેવા આપનાર પાંચ સેવાભાવી તબીબોનું પણ શિલ્ડ અર્પણ કરી સન્માન કરાયું હતું. સાથે જ કાયમી સિવણ કેન્દ્ર માટે સિલાઈ મશીનના દાતા તથા સામાજિક સેવા સાથે જોડાયેલા ચાર સેવકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
વર્ષ 2025-26 દરમિયાન પ્રમુખ લા. હરખજીભાઈ ટી. સુવારિયાના સૌજન્યથી આશરે 100 સિમેન્ટના આરામદાયક બાંકડા, 60 જેટલા લોખંડના ટ્રી-ગાર્ડ, બે સિલાઈ મશીન તેમજ ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ક્ષયરોગના દર્દીઓ માટે પ્રોટીનયુક્ત કીટનું વિતરણ તથા નવરાત્રી મહોત્સવ દરમિયાન ગરબે રમતી આશરે 1,000 બાળાઓને લાણી આપવામાં આવી હતી.
આ ઉપરાંત અનેક સેવાકીય પ્રકલ્પોમાં દાન આપી પ્રમુખ લા. હરખજીભાઈ ટી. સુવારિયાએ વર્ષ દરમિયાન દિલેરદાતા તરીકે ભામાશા જેવી ઉદારતા દાખવી ઉમદા સેવાકાર્યો કર્યા હોવાનું લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના સેક્રેટરી લા. નાનજીભાઈ મોરડીયાની યાદીમાં જણાવાયું છે.