મોટા દહીંસરા ગામે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ એવા પાવન જન્માષ્ટમી પર્વની ભક્તિ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમીના પર્વને લઈને સમગ્ર ગામ કૃષ્ણમય બની ગયું હતું અને ઠેર-ઠેર ભક્તિ સાથે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે મોટા દહીંસરા આહિર સમાજ દ્વારા રંગેચંગે મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મટકી ફોડવા માટે યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. યુવાનોની ટોળકીઓએ ઉત્સાહપૂર્વક મટકી ફોડવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો આ રોમાંચક કાર્યક્રમને નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન ‘જય કનૈયાલાલ કી’ અને ‘નંદ ઘેર આનંદ ભયો’ના જયઘોષથી સમગ્ર ગામનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભક્તિ, પરંપરા અને ઉત્સાહના અનોખા સંગમ વચ્ચે ગ્રામજનોએ શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી.
આહિર સમાજ દ્વારા કરવામાં આવેલા સુંદર આયોજનને પગલે મોટા દહીંસરામાં જન્માષ્ટમી પર્વની ઉજવણી યાદગાર બની રહી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોમાં અને ખાસ કરીને યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.