મોરબી જિલ્લામાં તાલુકા પંચાયતની સીટોના નવા સમીકરણો અને સીમાંકન બાદ ગ્રામીણ વિસ્તારો વચ્ચે સીધા રસ્તાઓ ન હોવાના કારણે સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. એક જ તાલુકા પંચાયત બેઠક હેઠળ આવતા ગામો વચ્ચે સીધો માર્ગ ન હોવાથી લોકોને 25 થી 32 કિલોમીટર જેટલો લાંબો ફેરો ફરવો પડી રહ્યો છે. આ ગંભીર સમસ્યાને ધ્યાને રાખીને ભારતીય કિસાન સંઘ, મોરબી જિલ્લા દ્વારા રાજ્યના પંચાયત અને ગ્રામ વિકાસ મંત્રીને પત્ર લખીને તાત્કાલિક નવા જોડાણ માર્ગો મંજૂર કરવાની રજૂઆત કરવામાં આવી છે.
ભારતીય કિસાન સંઘની રજૂઆત મુજબ, નેસડા(સુ) તાલુકા પંચાયત સીટ હેઠળ વાઘગઢ, નેસડા(સુ) અને મેઘપર ઝાલા ગામોનો સમાવેશ થાય છે. પરંતુ આ ગામો વચ્ચે સીધો રસ્તો ન હોવાથી હાલ ટંકારા થઈને 25 કિલોમીટરનો ચક્કર લગાવવો પડે છે. જો નેસડા(સુ)-વાઘગઢ-મેઘપર ઝાલા વચ્ચે નવો રસ્તો બને તો આ અંતર ઘટીને માત્ર 6 કિલોમીટર થઈ જાય તેમ છે. આવી જ પરિસ્થિતિ બંગાવડી સીટના ઘુનડા(ખા), બંગાવડી અને ખાખરા ગામોની છે, જ્યાં 30 કિમીના બદલે માત્ર 8 કિમીનો રસ્તો બની શકે છે. આ ઉપરાંત, નેસડા(ખા) સીટના ગજડી, ઉમિયાનગર અને નેસડા(ખા) ગામો વચ્ચે ખીજડીયા થઈને 32 કિમી જવું પડે છે, જ્યારે સીધા રસ્તાથી ગજડીથી નેસડા 4 કિમી અને નેસડાથી ઉમિયાનગર માત્ર 5 કિમી જ થાય છે.
પત્રમાં જણાવ્યા અનુસાર, મેઘપર ઝાલાથી બંગાવડી વચ્ચેનો વર્ષો જૂનો 7.7 કિલોમીટરનો ધ્રોળ-મોરબી બસ રૂટ હાલ બંધ હાલતમાં છે. આ સડક જો પુનઃ ચાલુ કરવામાં આવે તો રાહદારીઓ અને વાહનચાલકો માટે તે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. કિસાન સંઘના હોદ્દેદારોએ જણાવ્યું છે કે રસ્તાઓ બંધ કે ન હોવાને કારણે ખેડૂતોને કૃષિ માલની હેરફેરમાં, વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે તેમજ આરોગ્ય સેવાઓ મેળવવામાં ભારે મુશ્કેલી પડે છે.
કિસાન સંઘ મોરબી જિલ્લાના પ્રમુખ બાબુલાલ સીણોજીયા, મહામંત્રી નાથાલાલ ઢેઢી અને ઉપપ્રમુખ આશિષકુમાર કગથરા દ્વારા માંગ કરવામાં આવી છે કે આ વિસ્તારોનો તાત્કાલિક સ્થાનિક સર્વે કરાવવામાં આવે. ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ (MMGSY) અથવા ‘પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના’ (PMGSY) હેઠળ આ રસ્તાઓને મંજૂરી આપીને વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે જેથી લોકોનો સમય, ઈંધણ અને નાણાંની બચત થાય. આ રજૂઆતની નકલ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ સ્થાનિક સાંસદ અને ધારાસભ્યોને પણ યોગ્ય કાર્યવાહી અર્થે રવાના કરવામાં આવી છે.