ટંકારા: રાજ્ય સરકારની કૃષિ સહાય યોજનાઓનો લાભ તમામ પાત્ર ખેડૂતો સુધી પહોંચાડવાના દાવાઓ વચ્ચે ઓનલાઈન પોર્ટલની ટેકનિકલ મર્યાદાઓ ખેડૂતો માટે મોટી અડચણ બની રહી છે. ટંકારાના જાગૃત નાગરિક અને ખેડૂત બાબુલાલ એલ. સીણોજીયા દ્વારા આ અંગે રાજ્યના માનનીય મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી ‘આઈ-ખેડૂત’ અને ‘ડિજિટલ ગુજરાત’ પોર્ટલમાં તાત્કાલિક નીતિગત અને ટેકનિકલ સુધારા કરવા જાહેર હિતમાં અપીલ કરવામાં આવી છે.
૧. અલગ ખાતા અને સીમાડાની જમીન ધરાવતા ખેડૂતોની મુશ્કેલીઓ
રાજ્ય સરકારના નિયમો અનુસાર નાના અને સીમાંત ખેડૂતોને મહત્તમ ૨ હેક્ટર સુધીની જમીન માટે વિવિધ કૃષિ સહાય યોજનાઓનો લાભ મેળવવાની જોગવાઈ છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ઘણા ખેડૂતોની જમીન નાના-નાના ટુકડાઓમાં અલગ-અલગ ખાતા નંબરોમાં કે બાજુના બે ગામોની સીમમાં વહેંચાયેલી હોય છે. વર્તમાન ઓનલાઈન પોર્ટલ પર એકવાર આધાર નંબરથી અરજી કર્યા પછી તે જ યોજના માટે ખેડૂત પોતાના બીજા ખાતા કે બાજુના ગામની જમીન માટે ફરી અરજી કરી શકતો નથી. પરિણામે ખેડૂતની કુલ જમીનનો વિસ્તાર ગણતરીમાં લેવાતો નથી અને પોતાની જમીન હોવા છતાં ખેડૂત સરકારની સંપૂર્ણ સહાયથી વંચિત રહી જાય છે.
૨. સંયુક્ત ખાતાધારકો (Joint Account) અને સહ-ખાતેદારોના અધિકારનો પ્રશ્ન
બીજી તરફ, રાજ્યમાં મોટી સંખ્યામાં સંયુક્ત ખાતા ધરાવતા ખેડૂતો છે, જેમાં એક જ ખાતા નંબરમાં ૪ થી ૫ કે તેથી વધુ ભાઈઓ અથવા પરિવારના સહ-ખાતેદારોના નામ નોંધાયેલા હોય છે. હાલની ઓનલાઈન વ્યવસ્થામાં સંયુક્ત ખાતામાંથી માત્ર એક જ વ્યક્તિ અરજી કરી શકે છે, જ્યારે જમીનમાં ભાઈ ભાગની જમીન અને વાસ્તવિક વાવેતર હોવા છતાં અન્ય ભાગીદારો કે સહ-ખાતેદારો અરજી કરી શકતા નથી. ટેકનિકલ ખામીના કારણે રાજ્યના લાખો નાના, સીમાંત અને સંયુક્ત ખાતાધારક ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
૩. બંધારણીય સમાનતા અને તાત્કાલિક યોગ્ય નિર્ણયની માંગ
રજૂઆતમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે ભારતના બંધારણમાં આપેલી સમાનતા અને કલ્યાણકારી રાજ્યની ભાવના મુજબ દરેક પાત્ર ખેડૂતને સરકારની યોજનાઓનો સમાન અને ન્યાયસંગત લાભ મળવો જોઈએ. માત્ર ઓનલાઈન પોર્ટલની સોફ્ટવેર મર્યાદાને કારણે ખેડૂતો પોતાના હકથી વંચિત રહે તે યોગ્ય નથી. આ બાબતે અગાઉ કૃષિ વિભાગને પણ લેખિત તથા ઈમેલ દ્વારા રજૂઆતો કરવામાં આવી ચૂકી છે. રાજ્ય સરકાર વહેલી તકે આ ગંભીર બાબતે સકારાત્મક નિર્ણય લઈ ઓનલાઈન સિસ્ટમમાં જરૂરી ફેરફારો કરે જેથી ગુજરાતના લાખો ખેડૂતોને યોજનાઓનો પૂરો લાભ મળી શકે.