વર્ક ઓર્ડર આપવા અને રિજેક્ટ થયેલા ટેન્ડરના DD પરત કરવા બદલ માંગ્યા હતા રૂપિયા; રાજકોટમાં રંગેહાથ ઝડપી પાડ્યા
રાજકોટમાં ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ મોટી ટ્રેપ કાર્યવાહી કરી મોરબીના મત્સ્યઉદ્યોગ અધિક્ષક તથા બોટાદના ઇન્ચાર્જ અધિક્ષક ખોડાભાઈ વલ્લભભાઈ રામાણીને રૂ. 50,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આરોપીએ ટેન્ડરના વર્ક ઓર્ડર આપવા તેમજ રિજેક્ટ થયેલા ટેન્ડરના ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) પરત આપવાના બદલામાં લાંચની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે.
ACBને મળેલી ફરિયાદ મુજબ ફરિયાદીએ ચાલુ વર્ષ દરમિયાન મત્સ્યઉદ્યોગ વિભાગમાં કુલ સાત ટેન્ડર ભર્યા હતા, જેમાંથી ત્રણ ટેન્ડર મંજૂર થયા હતા અને ચાર ટેન્ડર રિજેક્ટ થયા હતા. મંજૂર થયેલા ટેન્ડરના વર્ક ઓર્ડર આપવા તેમજ રિજેક્ટ થયેલા ટેન્ડરના ડિમાન્ડ ડ્રાફ્ટ પરત કરવા બદલ આરોપીએ શરૂઆતમાં રૂ. 1 લાખની લાંચની માંગણી કરી હતી. બાદમાં વાટાઘાટો દરમિયાન રૂ. 50 હજાર લેવાનું નક્કી થયું હતું.
લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી ફરિયાદીએ ભાવનગર ACBનો સંપર્ક કરી લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACBએ રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોક નજીક આવેલી SBI બેંક પાસે ટ્રેપ ગોઠવ્યો હતો. આરોપી ફરિયાદી પાસેથી રૂ. 50 હજારની લાંચ સ્વીકારતા જ ACBની ટીમે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.
ઉલ્લેખનીય છે કે, ખોડાભાઈ રામાણી મોરબી ખાતે મત્સ્યઉદ્યોગ અધિક્ષક (ક્લાસ-2) તરીકે ફરજ બજાવે છે અને તેમની પાસે બોટાદ કચેરીનો વધારાનો ચાર્જ પણ હતો. ACBએ લાંચની રકમ કબ્જે કરી આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.