મોરબીના એસ.પી. રોડ અને લીલાપર કેનાલ રોડ પર દરોડો પાડીને વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો છે, જ્યારે આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલો અન્ય એક મુખ્ય આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન સંયુક્ત બાતમી મળી હતી કે એસ.પી. રોડના ખૂણા પાસે એક ઈસમ દારૂની ગેરકાયદે પ્રવૃત્તિ કરી રહ્યો છે. પોલીસે ત્યાં દરોડો પાડી રણજીતભાઈ નારણભાઈ સંધાર (ઉં.વ. ૨૭, રહે. ખડીયાવાસ, જેલ રોડ, મોરબી) ને અટકાવ્યો હતો. તેની તલાશી લેતા તેના પેન્ટના નેફામાંથી ‘બ્લેક એન્ડ વ્હાઇટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી’ ની ૭૫૦ એમ.એલ.ની સીલપેક બોટલ (કિંમત રૂ. ૧,૭૭૭/-) મળી આવી હતી.
જ્યારે ઝડપાયેલા આરોપીની કડક પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું હતું કે તેણે અને તેના સાથીદાર અરવિંદ દાદુભાઈ ભાટી (રહે. વજેપર શેરી નં. ૪, મોરબી) એ મોરબી લીલાપર કેનાલ રોડ પર સુદર્શન સોસાયટીની બાજુમાં આવેલા કોમ્પ્લેક્સમાં, દર્શના ટેઇલર્સની ઉપરના માળે આવેલી લોખંડના શટરવાળી દુકાનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવ્યો છે. જે દુકાનની પોલીસે તલાશી લેતા દુકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૧૩ તથા અલગ અલગ ચપલા નંગ -૧૦૯ કુલ કિંમત રૂપિયા ૪૧૦૫૨ નો મુદામાલ જપ્ત કરી સ્થળ પર આરોપી ન મળી આવતા બંને ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.